Get The App

ચાલુ મેચમાં બબાલ મામલે ભારતીય બોલર મોહમ્મદ સિરાજને મોટો ઝટકો, ICCએ આપી સજા

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
ચાલુ મેચમાં બબાલ મામલે ભારતીય બોલર મોહમ્મદ સિરાજને મોટો ઝટકો, ICCએ આપી સજા 1 - image

ICC Punish Mohammed Siraj : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન કાંગારૂ ટીમે 10 વિકેટે જીત મેળવી હતી. આ મેચ દરમિયાન ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટર ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે હવે ICCએ સિરાજ પર મેચ ફીના 20 ટકાનો દંડ લગાવ્યો છે.

સિરાજ-હેડને અપાયા 1-1 ડિમેરિટ પોઇન્ટ

સિરાજને મેચમાં ટ્રેવિસ હેડ સાથે બોલાચાલી કરવા બદલ આ સજા મળી છે. જ્યારે ICCએ ટ્રેવિસ હેડ પર કોઈ દંડ ફટકાર્યો ન હતો અને તેને છોડી મૂક્યો હતો. જો કે, ICCએ સિરાજ અને હેડ બંનેને 1-1 ડીમેરિટ પોઇન્ટ આપ્યા છે. ICCએ કહ્યું, 'સિરાજ અને હેડને અનુશાસનાત્મક રૅકોર્ડમાં 1-1 ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા છે, જે છેલ્લા 24 મહિનામાં તેમનો પહેલો ગુનો છે.'

આ કલમ હેઠળ સિરાજ અને હેડને દોષિત ઠેરવાયા

સિરાજને ICCએ આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ગણાવ્યો છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવે છે. હેડને આચારસંહિતાની કલમ 2.13ના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે ગેરવર્તન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે છે.

સિરાજ અને હેડે મેચ રેફરી રંજન મદુગલેની સામેના આરોપો સ્વીકારીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આજ કારણ હતું કે સુનાવણીની જરૂર પડી ન હતી. આ સ્થિતિમાં ICCએ બંનેને દોષિત માન્યા અને સજા આપી હતી.

શું હતો સમગ્ર મામલો?

અહીં તમને જણાવી દઈએ કે એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે તેને ગુસ્સામાં પેવેલિયન પરત ફરવાનો સંકેત આપ્યો. પેવેલિયનમાં પરત ફરતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું.

સિરાજે શું જવાબ આપ્યો?

સિરાજે આ મુદ્દે હરભજન સિંહ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેણે હું સારી બોલિંગ કરી રહ્યો નથી, તેમ કહ્યું હતું. જેથી મેં જ્યારે વિકેટ ઝડપી તો હું ઉત્સાહમાં હતો. તે દરમિયાન તેણે મને કંઈક કહ્યું, જેનાથી હું ગુસ્સે ભરાયો અને તેને બહાર જવાનો ઈશારો કર્યો.

સિરાજે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું કે, ‘તેણે મારી બોલિંગની મજાક ઉડાવી હતી. તે એક સારી લડાઈ હતી, કારણકે, તે વાસ્તવમાં ખૂબ સારી બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે બેટર સારા બોલ પર છગ્ગો ફટકારે છે, તો બોલરને ખરાબ તો લાગે છે. જેનાથી મને વધુ ગુસ્સો આવ્યો અને તેને આઉટ કરવા પ્રયાસ કર્યો, આઉટ કર્યા બાદ જ્યારે હું ગેલમાં આવ્યો ત્યારે તેણે મને ગાળ આપી હતી.’

આ પણ વાંચોઃ હળાહળ જુઠ્ઠું બોલે છે હેડ, મને ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજે ચાલુ મેદાને બબાલ મુદ્દે આપ્યો જવાબ

ટ્રેવિસ ખોટું બોલ્યો

સિરાજે વધુમાં જણાવ્યું કે, તમે ટીવી પર જોઈ રહ્યા છો, શરુઆતમાં હું ઉત્સાહ મનાવી રહ્યો હતો, ત્યારે તે કંઈક બોલ્યો પછી મેં પ્રતિક્રિયા આપી. તેણે મીડિયાને ખોટી વાત કહી છે. તે જૂઠ્ઠું બોલ્યો છે. અમે તમામનું સન્માન કરીએ છીએ. ક્રિકેટ એક સજ્જન રમત છે. ટ્રેવિસ હેડની વર્તૂણક ખોટી હતી. મને બહું જ ખરાબ લાગ્યું.

ચાલુ મેચમાં બબાલ મામલે ભારતીય બોલર મોહમ્મદ સિરાજને મોટો ઝટકો, ICCએ આપી સજા 2 - image


Google NewsGoogle News