Get The App

ICC ODI Rankings : ગિલે બાબરને, સિરાજે આફ્રિદીને પછાડ્યો, ટોચના ક્રમે ભારતીયોનો કબજો

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં તમામ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ICC ODI Rankings : ગિલે બાબરને, સિરાજે આફ્રિદીને પછાડ્યો, ટોચના ક્રમે ભારતીયોનો કબજો 1 - image


ICC ODI Rankings : ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં છે અને અત્યાર સુધીના તમામ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે જેમાં ટીમના તમામ ખેલાડીઓનું યોગદાન મહત્વનું છે ત્યારે આજે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વનડે બેટ્સમેન અને બોલરની નવી રેન્કિંગ જાહેર કરી છે જેમાં ભારતીય ખેલાડીઓએ બેટિંગ અને બોલરની રેન્કિંગમાં પાકિસ્તાનને પાછળ રાખીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. બેટિંગમાં શુભમન ગિલ અને બોલરમાં મોહમ્મદ સિરાજે પ્રથમ સ્થાન મેળવ્યું છે. 

ગિલે બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું

ભારતીય ટીમનો યુવા બેટ્સમેન અને ઓપનર શુભમન ગિલ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વનડે બેટ્સમેનની રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ રાખીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. જો કે બંને બેટ્સમેન વચ્ચે નવા રેન્કિંગમાં રેટિંગ પોઈન્ટનો તફાવત ખુબ જ ઓછો છે. બાબર આઝમના 824 પોઈન્ટ છે જ્યારે શુભમન ગિલના 830 રેટિંગ પોઈન્ટ છે. 

ગિલે વર્લ્ડ કપ 2023માં બે ફિફ્ટી ફટકારી

શુભમન ગિલે વર્લ્ડ કપ 2023ની 6 ઇનિંગ્સમાં બે ફિફ્ટી સાથે કુલ 219 રન બનાવ્યા છે. તેની એવરેજ 36.50 જ્યારે સ્ટ્રાઈક રેટ 96.90ની રહી છે, ગિલે ટુર્નામેન્ટમાં 30 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે. ઉલ્લેખનીય છે કે શુભમન ગિલે વર્લ્ડ કપની પહેલી બે મેચ ખરાબ સ્વાસ્થ્યના કારણે ગુમાવી હતી. ગિલ ઉપરાંત વિરાટ કોહલીના રેન્કિંગમાં પણ સુધારો થયો છે તે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. વિરાટે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 543 રન બનાવ્યા છે. 

સિરાજે આફ્રિદીને પાછળ રાખી બન્યો નંબર 1 બોલર

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આઈસીસીની નવી વનડે બોલરોની રેન્કિંગમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે શાહીન શાહ આફ્રિદી પાસેથી નંબર 1 બોલરનું સિંહાસન છીનવી લીધું છે. બીજા સ્થાને સાઉથ આફ્રિકાના કેશવ મહારાજ છે. નવા રેટિંગમાં સિરાજને 709 પોઈન્ટ છે અને મહારાજને 694 પોઈન્ટ છે. આ સિવાય જો ઓલરાઉન્ડરોની વાત કરીએ તો શાકિબ અલ હસન લાંબા સમયથી ટોપ પર છે જ્યારે ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે બેવડી સદી ફટકારતા ચાર સ્થાનની છલાંગ લગાવી છે. તે ઓલરાઉન્ડરોના લીસ્ટમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે.

ICC ODI Rankings : ગિલે બાબરને, સિરાજે આફ્રિદીને પછાડ્યો, ટોચના ક્રમે ભારતીયોનો કબજો 2 - image


Google NewsGoogle News