ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ICC વનડે રેન્કિંગની જાહેરાત: ભારત-ઓસ્ટ્રેલિયા ટોપ-2માં, પાકિસ્તાનને નુકસાન
Cricket: ટ્રાઇ સીરિઝની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યા બાદ ન્યૂઝીલૅન્ડને આઇસીસીની નવી વનડે રેન્કિંગમાં ઘણો લાભ થયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં આ જીતથી ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓનું મનોબળ મજબૂત થશે. ન્યૂઝીલૅન્ડની ટીમે 243 રનના ટાર્ગેટને માત્ર 45.2 ઓવરમાં ચેઝ કરીને જીત હાંસલ કરી હતી. ડેરિલ મિશેલે 57 રન અને કૅપ્ટન ટોમ લેથમે 56 રનની તોફાની ઇનિંગ રમીને જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ન્યૂઝીલૅન્ડના પેસર વિલ ઓ'રૂરકે પણ શાનદાર પ્રદર્શન કરીને 9.3 ઓવરમાં 4 વિકેટ લઈને પાકિસ્તાનને 250થી ઓછા સ્કોર પર રોકી દીધું હતું.
વનડે રેન્કિંગમાં ન્યૂઝીલૅન્ડની રેટિંગ વધી
વિઝડન અનુસાર, ટ્રાઇ સીરિઝ જીત્યા બાદ ન્યૂઝીલૅન્ડની આઇસીસી વનડે રેન્કિંગમાં રેટિંગ 100થી વધીને 105 થઈ ગઈ, જેનાથી ટીમ હવે રેન્કિંગમાં ચોથા સ્થાન પર પહોંચી ગઈ છે. જેની સામે ફાઇનલમાં હાર થતાં પાકિસ્તાનની રેટિંગ ઘટીને 107 થઈ ગઈ છે અને રેન્કિંગમાં પાકિસ્તાની ટીમ ત્રીજા સ્થાને ખસી ગઈ છે.
આ પણ વાંચોઃ IPL 2025: RCB બાદ હવે KKR પણ આપશે સરપ્રાઇઝ! 36 વર્ષનો ખેલાડી બની શકે છે કેપ્ટન
ICC રેન્કિંગમાં ભારત ટોચ પર
ટ્રાઇ સીરિઝ સિવાય ઓસ્ટ્રેલિયાને શ્રીલંકા સામેની વન-ડે સીરિઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી ઓસ્ટ્રેલિયાની રેટિંગ ઘટીને 110 થઈ ગઈ છે. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયન ટીમ આ સમયે બીજા સ્થાને છે. બીજી બાજુ રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે હાલમાં જ ઇંગ્લૅન્ડને વનડે સીરિઝમાં 3-0થી મ્હાત આપી હતી, જેના કારણે ભારતીય ટીમ 119 રેટિંગ સાથે પહેલાં સ્થાને પહોંચી ગઈ છે.
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત
નોંધનીય છે કે, હવે ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત 19 ફેબ્રુઆરીથી થશે. જેમાં ભારત, પાકિસ્તાન સહિત ન્યૂઝીલૅન્ડ, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં અનેક ટીમની આઇસીસી રેન્કિંગ પર અસર પડશે. ટુર્નામેન્ટની ફાઇનલ 9 માર્ચે રમાશે.