ICCએ હવે બોલરોની વધારી ચિંતા, ટાઈમ આઉટ જેવો લાવ્યો નવો નિયમ
આ નિયમ હાલ મેન્સ ક્રિકેટમાં વનડે અને T20 ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે
Image:IANS |
ICC New Rule For Bowlers : ODI World Cup 2023 સમાપ્ત થયા બાદ ICCએ ક્રિકેટના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર ગેમમાં ગતિ લાવવા માટે કરવામાં આવ્યા છે. ICCએ બોલર્સ મેટ પણ ટાઈમ આઉટ જેવો નિયમ બનાવ્યો છે. ICCએ ગઈકાલે કહ્યું હતું કે જો બોલર એક ઇનિંગમાં ત્રીજી વખત નવી ઓવર શરુ કરવામાં 60 સેકેંડથી વધુ સમય લેશે તો બોલિંગ કરવાનાર ટીમ પર 5 રનની પેનલ્ટી લગાડવામાં આવશે. આ નિયમ હાલ મેન્સ ક્રિકેટમાં વનડે અને T20 ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે.
બોલિંગ ટીમ માટે લાવ્યા ટાઈમ આઉટ નિયમ
શરૂઆતમાં આ નિયમ ટ્રાયલ માટે લાગુ કરવામાં આવશે અને તેની ઉપયોગિતા અને અસરને ધ્યાનમાં લઈને તેને કાયમી ધોરણે લાગુ કરી શકાય છે. CEC ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 સુધી મેન્સ વનડે અને T20 ક્રિકેટમાં ટ્રાયલ ધોરણે સ્ટોપ વોચ રજૂ કરવા સંમત થયા હતા. આ ઘડિયાળનો ઉપયોગ ઓવરો વચ્ચેનો સમય ઘટાડવા માટે કરવામાં આવશે. ICCએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 'જો બોલિંગ કરનાર ટીમ પાછલી ઓવર પૂરી થયાની 60 સેકન્ડની અંદર આગલી ઓવર નાખવા માટે તૈયાર ન હોય અને ઈનિંગમાં ત્રીજી વખત આવું થાય તો પાંચ રનનો દંડ ફટકારવામાં આવશે.'
બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
ICCની આ બેઠકમાં આ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે શ્રીલંકાની ક્રિકેટ ટીમ બોર્ડના સસ્પેન્શન છતાં ઇન્ટરનેશનલ મેચ રમી શકે છે. જો કે U-19 World Cup 2024નું યજમાની શ્રીલંકા પાસેથી છીનવીને સાઉથ આફ્રિકાને આપવામાં આવી હતી. આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે જો કોઈ ખેલાડી પુરૂષ તરીકે મોટો થાય છે અને કિશોરાવસ્થા દરમિયાન તેના શરીરમાં થતા ફેરફારો છોકરાઓ જેવા જ હોય છે, તો તે લિંગ પરિવર્તન કરાવ્યા બાદ પણ મહિલા ક્રિકેટમાં રમવા માટે પાત્ર રહેશે નહીં.