Get The App

રોહિત શર્માએ પાકિસ્તાન નહીં જવું પડે, ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી લોન્ચિંગ સમારોહ પડતો મૂક્યો

Updated: Jan 31st, 2025


Google News
Google News
champions-trophy


Champions Trophy Pakistan: ભારતે તો સલામતીના કારણોસર ચેમ્પિયન્સ ટ્રોફીની તેની તમામ મેચીસને યજમાન પાકિસ્તાનની બહાર જ આયોજીત કરાવી દીધી છે. જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બોર્ડે તેમની ટીમોને પાકિસ્તાનમાં ખુબ જ ઓછો સમય રોકાવું પડે તેવું આયોજન કર્યું છે. આ કારણે આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ યોજાતી કેપ્ટન્સ કોન્ફરન્સ, ટ્રોફી લોન્ચિંગ સેરેમની તેમજ ઉદ્ધાટન સમારંભ વગેરે જેવા કાર્યક્રમો પડતા મૂકવાનો નિર્ણય લઈ લીધો છે તેમ પાકિસ્તાનના મીડિયાએ જણાવ્યું છે. હવે કાર્યક્રમો જ રદ થઈ ગયા છે, ત્યારે ભારતીય ક્રિકેટટીમના કેપ્ટન રોહિત શર્માને  પણ પાકિસ્તાન જવું નહીં પડે. 

બીસીસીઆઈએ સલામતીના કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા મોકલવાનો ઈનકાર કર્યો હતો. આ કારણે ભારતની તમામ મેચો દુબઈમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે, ભારતીય કેપ્ટન રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ યોજાતા ટ્રોફી સાથે તમામ ટીમોના કેપ્ટનોના ફોટો શૂટમાં જવું પડે તેવી શક્યતા સર્જાઈ હતી. 

રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીને પાકિસ્તાનમાં મોકલવો કે નહીં તે અંગે અવઢવની સ્થિતિ હતી. તેની સલામતી અંગેનો પણ પ્રશ્ન હતો. જો કે આઇસીસીના આંતરરાષ્ટ્રીય સ્તરના ધારાધોરણોને પણ અનુસરવાનો પડકાર ભારતની સામે હતો પણ હવે આ સમસ્યા આપમેળે જ ઉકેલાઈ ગઈ છે. 

પાકિસ્તાનના જીઓ સુપર મીડિયાએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો છેક છેલ્લી ઘડીએ પાકિસ્તાન પહોંચવાની છે અને આ કારણે આઇસીસી ટ્રોફી અગાઉ યોજાતા તમામ પરંપરાગત કાર્યક્રમનો પડતા મૂકવાનો નિર્ણય લેવો પડ્યો છે. પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલા તમામ આઠ કેપ્ટનોની મીડિયા સાથેની મુલાકાત અને ફોટો શૂટ કરાચીમાં રાખવાનું નક્કી કર્યું હતુ. જે હવે યોજાવાનું નથી. 

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે અને તેઓ અહીં ત્રણ વન ડેની શ્રેણી પણ રમવાના છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડની ટીમ 18મી ફેબ્રુઆરીએ એટલે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તેના એક દિવસ પહેલા જ પાકિસ્તાન પહોંચશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ તો 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન પહોંચશે. 

રોહિત શર્માએ પાકિસ્તાન નહીં જવું પડે, ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી લોન્ચિંગ સમારોહ પડતો મૂક્યો 2 - image

Tags :
champions-trophypakistanpakistan-cricket-boardrohit-sharma

Google News
Google News