વિશ્વ વિજેતાઓનું સન્માન, વાયુસેના સાથે 1200 ડ્રોન પણ બતાવશે આકાશી કરતબ, પહેલીવાર આટલી ભવ્ય હશે WC ફાઈનલ
ફાઈનલ મેચ દરમિયાન 4 કાર્યક્રમોનું આયોજન કરાયું
ફાઈનલ મેચની શરુઆત ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે
World Cup 2023 Aus vs India final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. તેના માટે ખુબ જ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ ફાઈનલ મેચ દરમિયાન 4 કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ દરમિયાન ઈન્ડિયન પ્લેયર્સની ફેમિલી સાથે BCCIના પદાધિકારી, ICCના મોટા અધિકારી અને સ્ટેટ એસોસિએશનના સભ્યો પણ હાજર રહેશે. જણાવી દઈએ કે, મહામુકાબલા માટે ટીમ ઈન્ડિયા ગુરુવાર સાંજે અમદાવાદ પહોંચી ચૂકી હતી. મહત્વનું છે કે, ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી પહેલી સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી.
આ છે ફાઈનલ મેચનું શેડ્યુલ
- ફાઈનલ મેચની શરુઆત બપોરે 12:30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે. આ દરમિયાન IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન કરશે.
- આ પર્ફોર્મન્સ ફ્લાઈટ કમાન્ડર અને ડેપ્યૂટી ટીમ લીડર વિંગ કમાન્ડર સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વમાં થશે. ભારતીય વાયુસેના દ્વારા આ રીતના મુકાબલામાં પહેલા ક્યારેય પણ આકાશથી સલામી નથી આપવામાં આવી. આ એક્ટિવિટી પહેલીવાર થશે.
- આ એર શો માટે કોઈ ફી નહીં લાગે. અપ્રૂવલ માટે BCCIના ડ્રાફ્ટ પત્રને રક્ષા મંત્રાલયે પ્રસ્તુત કરવો જરૂરી છે. સૂર્યકિરણની ટીમ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર વર્ટિકલ એર શો કરશે.
- હાફ ટાઈમ પરફોર્મન્સ સાંજે 5:30 વાગ્યે 15 મિનિટ માટે થશે.
- પરેડ ઑફ ચેમ્પિયન હેઠળ પહેલીવાર વર્લ્ડ કપના વિજેતા કપ્તાનોને મેચ દરમિયાન સન્માનિત કરાશે. તમામ વર્લ્ડ કપ વિજેતા કપ્તાનોને BCCI સન્માનિત કરશે.
- ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ સાથો-સાથ તેમના વિજયી ક્ષણોની 20 સેકેન્ડની રીલ મોટી સ્ક્રીન પર ચલાવાશે.
- ભારતના ફેમસ સંગીતકાર પ્રીતમનું લાઈવ પરફોર્મન્સ થશે. આ દરમિયાન 500 ડાન્સર્સ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. સંગીતકાર પ્રીતમ-દેવા ઓ દેવા, કેસરિયા, લહેરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે, દંગલ દંગલની પ્રસ્તુતિ કરશે.
- સેકન્ડ ઈનિંગની બીજી ડ્રિંક બ્રેક રાત 8:30 વાગ્યે 90 સેકન્ડ માટે થશે. આ દરમિયાન લેજર શો થશે.
- મેચ બાદ વર્લ્ડ ચેમ્પિયન્સની તાજપોશી કરવામાં આવશે. સાથે જ 1200 ડ્રોન રાત્રે મનમોહક આકૃતિઓ બનાવશે. ત્યારબાદ આતશબાજી કરવામાં આવશે.