પાકિસ્તાન બાદ ભારત પણ આવશે ચેમ્પિયન્સ ટ્રૉફી, PoK ટૂર કેન્સલ, જુઓ આખુ શેડ્યૂલ
Champions Trophy : આગામી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમ્યાન યોજાનાર વન ડે ક્રિકેટની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાનાર છે પણ ભારતે પાકિસ્તાનમાં તેની મેચો રમવાનો ઈન્કાર કરી દીધો હોઈ ચેમ્પિયન્સ ટ્રોફી ક્યા અથવા તો ક્યા મોડેલથી યોજવી તેનો કોયડો ગૂંચવાયો છે તેવા વાતાવરણ વચ્ચે આ ટૂર્નામેન્ટની ટ્રોફી 14 નવેમ્બરે પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. ત્યારે પાકિસ્તાની સરકારે આ ટ્રોફીને પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર (PoK)માં ફેરવવાનું એલાન કર્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની આપત્તિ બાદ ICCએ તેને રદ કરી દીધું. PoKના કોઈ પણ શહેરમાં ટ્રોફી નહીં જાય.
આ સાથે ICCએ ટ્રોફી ટૂરનું નવુ શેડ્યૂલ જાહેર કરી દીધું છે, જે હેઠળ ટ્રૉફી હવે PoK નહીં જાય. શેડ્યૂલ અનુસાર, આ ટ્રોફી 12 દિવસની ટૂર માટે ભારત પણ આવશે. 15 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી આ ટ્રોફી ભારત લવાશે. આ સિવાય બાકીના દેશોમાં પણ આ ટ્રોફી ટૂર માટે લઈ જવાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જે હરકત બહાર આવી છે તેનો ICCએ ઉધડો લીધો છે અને મનાઈ ફરમાવી છે. બન્યું એવું કે ચેમ્પિયન્સ ટ્રોફીનો ટેમ્પો જમાવવાના બહાને પાકિસ્તાને ચેમ્પિયન ટ્રોફીને પાકિસ્તાનના જુદા જુદા શહેરોમાં ચાહકોને જોવા માટે ફેરવવાનું નક્કી કર્યું હતું.
ટ્રોફી ટૂર શેડ્યૂલ...
- 16 નવેમ્બર - ઈસ્લામાબાદ, પાકિસ્તાન
- 17 નવેમ્બર – તક્ષશિલા અને ખાનપુર, પાકિસ્તાન
- 18 નવેમ્બર - એબટાબાદ, પાકિસ્તાન
- 19 નવેમ્બર - મુર્રી, પાકિસ્તાન
- 20 નવેમ્બર - નથિયા ગલી, પાકિસ્તાન
- 22 - 25 નવેમ્બર - કરાચી, પાકિસ્તાન
- 26-28 નવેમ્બર - અફઘાનિસ્તાન
- 10-13 ડિસેમ્બર - બાંગ્લાદેશ
- 15-22 ડિસેમ્બર - દક્ષિણ આફ્રિકા
- 25 ડિસેમ્બર-5 જાન્યુઆરી - ઓસ્ટ્રેલિયા
- 6-11 જાન્યુઆરી - ન્યુઝીલેન્ડ
- 12-14 જાન્યુઆરી - ઈંગ્લેન્ડ
- 15-26 જાન્યુઆરી - ભારત
- 27 જાન્યુઆરી - ટુર્નામેન્ટ શરૂ - પાકિસ્તાન
પાક.ને ફટકાર : ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા 'Pok'માં નહીં
આવતીકાલથી 24 નવેમ્બર દરમ્યાન ટ્રોફી પાકિસ્તાન શહેરોમાં યાત્રા કરવાની હતી અને ચાહકો તેને જોવા ઉમટે તેવો આશય હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રોફી યાત્રાના શહેરો અને રૂટ પણ જાહેર કર્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ખોરી દાનત બતાવતા આ ટ્રોફી યાત્રામાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર- પીઓકે)ના મુરી, સ્કાર્ડુ, હુન્ઝા અને મુઝફરાબાદ જેવા શહેરોને પણ આવર્યા હતા. એટલું જ નહીં 'એક્સ' પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોસ્ટ મુકી તેમાં પણ આ વિવાદિત શહેરોના નામ મૂક્યા હતા.
પાકિસ્તાન જો આમ કરવામાં સફળ થાય અને ભારતીય ક્રિકેટ બોર્ડ અને ICC પાકિસ્તાનની આ ચાલને નજરઅંદાજ કરે તો ભવિષ્યમાં પાકિસ્તાન એવો દાવો કરી શકે કે 'જુઓ, અમે ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા પણ પીઓકેમાં કરાવી હતી.' આમ પીઓકે પાકિસ્તાનનું છે તે પૂરવાર થાય. હકીકતમાં PoK ભારત સરકારના મતે વિવાદિત છે અને તેને પાકિસ્તાન હસ્તક કહી ન શકાય.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીની જુદા જુદા શહેરોની યાદીમાં PoKના ત્રણ શહેરોના નામ જોતાં જ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે ICC સમક્ષ તાત્કાલિક વિરોધ વ્યક્ત કર્યો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને PoKના શહેરો બાકાત કરવાની તાકીદ કરવામાં આવે.
ICCને પણ પાકિસ્તાનની મેલી મુરાદ જણાઈ અને તેઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની પાકિસ્તાન યાત્રામાંથી PoKના ત્રણ શહેરો બાકાત કરી દેવામાં આવે. ICCની આ ફટકાર પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રોફીની આ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કઈ હદે જઈ શકે છે તેની ICCએ તે રીતે પણ નોંધ લીધી હશે કે સામાન્ય રીતે જે તે ICC ઈવેન્ટનો પહેલા કાર્યક્રમ જાહેર થાય તે પછી યજમાન તેના દેશમાં ટ્રોફીની ટૂર યોજે જ્યારે ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તો જાહેર થયો જ નથી પણ તેના યજમાન તરીકે પણ ભારત પાકિસ્તાનમાં રમવા નહીં જવાનું હોઈ હજુ આખરી મહોર આ વિવાદ પછી નથી લાગી છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ICCની ઉપરવટ થઈને જાહેર કરે છે કે અમે જ ટૂર્નામેન્ટ યોજીશું.
ભારત જોડે ઉષ્માભર્યું વલણ ધરાવીએ છીએ અને અમે બીન રાજકારણી છીએ તેમ મેસેજ આપવાની જગ્યાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ભારતને જાણી જોઈને ઉશ્કેરે છે આ હરકત પછી તો ભારત પાકિસ્તાન નહીં જ જાય તે વધુ નિશ્ચિત બની ગયું છે.