ICCનો ભારતને મોટો ઝટકો! તણાવ વચ્ચે પાકિસ્તાન મોકલી ચેમ્પિયન્સ ટ્રોફી, શું છે ઈરાદા?
ICC Champions Trophy 2025 | ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના અંતિમ શેડ્યૂલની જાહેરાત કરી નથી પરંતુ તેણે 16 નવેમ્બરથી શરૂ થનારા દેશના પ્રવાસ માટે ટુર્નામેન્ટની ટ્રોફી પાકિસ્તાનને મોકલી આપી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રોફીનો પ્રવાસ ઉત્તર પાકિસ્તાનના સ્કર્દુથી શરૂ થશે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રવાસ પાકિસ્તાનના એ મોટા શહેરોમાંથી પસાર થશે જ્યાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમાવાની છે.
ભારત-પાકિસ્તાન વિવાદ વચ્ચે મોકલી ટ્રોફી
આ ટ્રોફી એવા સમયે પાકિસ્તાન પહોંચી છે જ્યારે ભારત તરફથી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા ઈનકાર કરીને 'હાઇબ્રિડ મોડલ'માં ટુર્નામેન્ટ યોજવાની માગ કરી છે. આ મામલે ICC એ PCB પાસેથી પણ જવાબ માંગ્યો છે. આ મહિનાની શરૂઆતમાં લાહોરમાં ટ્રોફીનું અનાવરણ થવાનું હતું. પરંતુ ભારતે ICCને ટીમ નહીં મોકલવાની જાણ કર્યા બાદ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
દુબઈથી ઈસ્લામાબાદ લવાઈ ટ્રોફી
પરંતુ ગુરુવારે આખરે ICC અધિકારીઓ દ્વારા ટ્રોફીને દુબઈથી ઈસ્લામાબાદ લાવવામાં આવી હતી. આ પ્રવાસ જે 24 નવેમ્બરે સમાપ્ત થશે જે આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે લોકોમાં ઉત્સુકતા વધારવાના ICCના પ્રયાસનો એક ભાગ છે. ICCએ હજુ સુધી પાકિસ્તાનમાં રમવાના ભારતના ઇનકાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે ટિપ્પણી કરી નથી. બીજી બાજુ પાકિસ્તાને ગુરુવારે કહ્યું કે ભારત સાથે પડદા પાછળ કોઈ વાતચીત ચાલી રહી નથી કારણ કે પડોશી દેશે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ક્રિકેટ ટીમ મોકલવાનો ઇનકાર કર્યો છે.