પાકિસ્તાન પાસે માત્ર ત્રણ દિવસ, પછી ચેમ્પિયન્સ ટ્રોફી પર લેવાશે અંતિમ નિર્ણય, માનવી પડશે BCCI-ICCની વાત!
ICC Champions Trophy 2025 India-Pakistan Controversy : આવતા વર્ષે પાકિસ્તાનની યજમાની હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી-2025 રમાવાની છે. જોકે ભારતે પાકિસ્તાનમાં મેચો રમવાની ના પાડ્યા બાદ પડોશી દેશની મુશ્કેલી વધી ગઈ છે. પાકિસ્તાને પોતાના દેશમાં જ ટ્રોફી રમાડવાની જીદ પકડી છે, તો ભારતે પણ કડક વલણ અપનાવી ખેલાડીઓને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આ ઉપરાંત તેણે હાઈબ્રિડ મોડલ એટલે કે ભારતની મેચો અન્ય દેશોમાં રમાડવાનો પણ ઈન્કાર કરી દીધો છે. આ તમામ વિવાદ વચ્ચે એવા અહેવાલ સામે આવ્યા છે કે, આ મુદ્દે નિર્ણય લેવા માટે પાકિસ્તાન પાસે માત્ર ત્રણ દિવસનો સમય બચ્યો છે. 29 નવેમ્બરના રોજ પાકિસ્તાનમાં તેની યજમાનીનો નિર્ણય થઈ જશે. આઈસીસીએ ચેમ્પિયન ટ્રોફી માટે 29 નવેમ્બરે બોર્ડની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યુલનો તેમજ ટ્રોફીના આયોજન અંગે અંતિમ નિર્ણય લેવાશે.
શેડ્યુલ અને આયોજન અગં 29મીએ લેવાશે ફેસલો
મીડિયા અહેવાલો મુજબ આઈસીસીએ આજે (26 નવેમ્બર) જાહેરાત કરી છે કે, 29 નવેમ્બરે શુક્રવારે બોર્ડની બેઠક યોજાશે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ અંગે નિર્ણય લેશે. વર્ચ્યુઅલ યોજાનારી બેઠકમાં તમામ બોર્ડના સભ્યો ઑનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ જોડાશે.
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો હતો
પાકિસ્તાને થોડા મહિના પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેમાં 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ટ્રોફી યોજાવાનો તેમજ લાહૌર, રાવલપિંડી અને કરાંચીમાં મેચો રમાડવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે ભારતે ખેલાડીઓ મોકલવાનો ઈન્કાર કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)એ સુરક્ષાને ટાંકીને ભારતની મેચો લાહોરમાં રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેનો બીસીસીઆઈએ ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચેના ખરાબ સંબંધો અને પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા ડામાડોળ હોવાના કારણે ભારત સરકારે 2008 બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી અને આ વખતે પણ એવું જ થયું છે.
BCCIની હાઈબ્રિડ મૉડલ અપનાવવાની માંગ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સમક્ષ માંગ મુકી છે કે, ટીમ ઈન્ડિયાની તમામ મેચ, એક સેમીફાઈનલ અને ફાઈનલ મેચ પાકિસ્તાન બહાર અન્ય દેશોમાં, સંભવતઃ યુએઈમાં રમાડવામાં આવે. ત્યારબાદ ICC ભારતની માંગ PCB સમક્ષ મુકી હતી અને તેણે પોતાના જ દેશમાં મેચો રમાડવાની અડીયલ નિર્ણય કર્યો છે. બંને દેશોના વિવાદના કારણે આઈસીસી પણ બરાબરનું ફસાયું છે અને તે પીસીબીનો મનાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે કે, ટુર્નામેન્ટની ભલાઈ માટે હાઈબ્રિડ મોડલથી જ આયોજન કરવાનો એકમાત્ર વિકલ્પ છે. મીડિયા અહેવાલો મુજબ આઈસીસીએ પીસીબીને વધુ નાણાંકીય મદદ કરવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. જોકે હવે અંતિમ નિર્ણય 29 નવેમ્બરના રોજ થશે.
આ પણ વાંચો : KKRની ટીમે IPL ઓક્શનમાં કરી મોટી ભૂલ, હવે કેપ્ટન કોને બનાવવો એ જ માથાનો દુઃખાવો