Get The App

પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે રાજી તો પેચ ક્યાં ફસાયો? ચેમ્પિયન્સ ટ્રોફી પર સસ્પેન્સ યથાવત્

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે રાજી તો પેચ ક્યાં ફસાયો? ચેમ્પિયન્સ ટ્રોફી પર સસ્પેન્સ યથાવત્ 1 - image


ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને મળી હતી. પરંતુ તેના શેડ્યૂલ અને વેન્યૂ પર સસ્પેન્સ યથાવત છે કારણ કે ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી નથી આપી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ આ નિર્ણય અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જાણ કરી ચૂક્યું છે. હવે ICC આ ટુર્નામેન્ટને 'હાઈબ્રિડ મોડલ' હેઠળ યોજવાનું આયોજન કરી રહી છે. આ માટે ICCએ 29 નવેમ્બરના રોજ એક્ઝિક્યુટિવ બોર્ડની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે 'હાઇબ્રિડ મોડલ' હેઠળ ટુર્નામેન્ટની યજમાની કરવા ઇચ્છુક નથી પરંતુ હવે તેનું તેવર નબળું પડી ગયું છે. PCB હવે કેટલીક શરતો સાથે 'હાઈબ્રિડ મોડલ' સ્વીકારવા માટે રાજી થઈ ગયું છે. PCB ચીફ મોહસિન નકવીએ દુબઈમાં પત્રકારોને કહ્યું કે, 'હું આના પર વધુ ટિપ્પણી કરવા માંગતો નથી કારણ કે તેનાથી વસ્તુઓ વધુ ખરાબ થઈ શકે છે.અમે આઈસીસીને અમારો દૃષ્ટિકોણ  બતાવી દીધો છે, ભારતીયોએ પણ તેમનો દૃષ્ટિકોણ આપી દીધો છે. પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે બધાને ફાયદો થાય.

મોહસીન નકવીએ આગળ કહ્યું કે, 'ક્રિકેટ જીતવી જોઈએ એ સૌથી મહત્ત્વપૂર્ણ છે.પરંતુ બધાના સમ્માન સાથે. અમે એ જ કરીશું જે ક્રિકેટ માટે  શ્રેષ્ઠ હશે.અમે જે પણ ફોર્મ્યુલા અપનાવીશું, તે સમાન શરતો પર હશે. પાકિસ્તાનનું ગૌરવ સૌથી મહત્ત્વનું છે. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે ક્રિકેટ જીતે પરંતુ પાકિસ્તાનનું ગૌરવ પણ અકબંધ રહે.મારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ એકતરફી વ્યવસ્થા ન થાય. એવું ન થવું જોઈએ કે અમે ભારત જઈએ અને તે અમારા દેશમાં ન આવે. વિચાર એ છે કે આ મુદ્દાને હંમેશા માટે સમાન શરતો પર ઉકેલી લેવો જોઈએ.

આ પણ વાંચો: પાકિસ્તાન પાસે માત્ર ત્રણ દિવસ, પછી ચેમ્પિયન્સ ટ્રોફી પર લેવાશે અંતિમ નિર્ણય, માનવી પડશે BCCI-ICCની વાત!


એટલે કે, PCB ચીફના નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ અમુક શરતો સાથે જ 'હાઈબ્રિડ મોડલ' અપનાવશે. PCB ઇચ્છે છે કે 2031 સુધીમાં ભારતમાં યોજાનારી ICC ટુર્નામેન્ટમાં આ જ સિસ્ટમ લાગુ કરવામાં આવે. આનો અર્થ એ છે કે, પાકિસ્તાન આ સમયગાળા દરમિયાન ભારતમાં આવીને ICC ટુર્નામેન્ટમાં રમવા નથી માંગતું. ભારતને 2031 સુધી ICCની ત્રણ પુરુષોની ટુર્નામેન્ટનું યજમાની કરવાની છે, જેમાં શ્રીલંકા સાથે 2026 T20 વર્લ્ડ કપ, 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને બાંગ્લાદેશ સાથે 2031 ODI વર્લ્ડ કપ સામેલ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ ઇચ્છે છે કે ICC વર્તમાન નાણાકીય ચક્રમાં તેની આવકમાં તેનો હિસ્સો 5.75 ટકાથી વધારી દે. PCB ચીફ આ વાત પર અડગ છે, પરંતુ હોસ્ટિંગ માટે કોઈ વધારાની ફી નથી માંગી. આ એક એવી શરત છે જે સમગ્ર ગેમ બગાડી શકે છે.તમને જણાવી દઈએ કે ICC 4 વર્ષ (2024-2027) માટે આવકનો પોતાનો હિસ્સો નક્કી કરી ચૂકી છે.

આ સમયગાળા દરમિયાન ICC વાર્ષિક 600 મિલિયન ડોલર (લગભગ 5073 કરોડ રૂપિયા)નું વિતરણ કરી રહી છે. ICCની આ આવકમાં BCCIને સૌથી વધુ 38.50% (આશરે 1953 કરોડ રૂપિયા)નો હિસ્સો મળી રહ્યો છે. જે પાકિસ્તાન કરતા 7 ગણો વધારે છે. ભારત બાદ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને દર વર્ષે અનુક્રમે 6.89%, 6.25% અને 5.75% હિસ્સો મળી રહ્યો છે. આમ દર વર્ષે અંદાજે 291 કરોડ રૂપિયા પાકિસ્તાનના હિસ્સામાં આવી રહ્યા છે.

વર્તમાન પરિસ્થિતિ એ છે કે પીસીબી 'હાઈબ્રિડ મોડલ' પર  ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ત્યારે જ સ્વીકારશે જ્યારે ICC એ વાત પર સંમત થશે કે ભવિષ્યની તમામ ICC ટુર્નામેન્ટ્સ આ સિસ્ટમ પર આધારિત હશે અને પાકિસ્તાન પોતાની મેચો રમવા માટે ભારતનો પ્રવાસ નહીં કરશે. પાકિસ્તાન પણ ઈચ્છે છે કે આઈસીસી વર્તમાન નાણાકીય ચક્રમાં તેનો હિસ્સો 5.75 ટકાથી વધારી દે અને નકવી આના પર અડગ છે પરંતુ તેણે હોસ્ટિંગ માટે કોઈ વધારાની ફી માંગી નથી.




Google NewsGoogle News