સરહદ પર બનાવો સ્ટેડિયમ, એક ગેટ પાકિસ્તાનમાં અને બીજો ભારતમાં: પૂર્વ ખેલાડીની અજબ-ગજબ સલાહ
ICC Champions Trophy 2025, Ahmed Shehzad : પાકિસ્તાન અગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી રહ્યું છે. જો કે, ભારતીય ટીમ આ ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જશે નહીં. આ અંગે PCB (Pakistan Cricket Board)એ ઘણાં સમયથી હોબાળો મચાવ્યો હતો. જો કે, હવે ICCના કહેવા પર PCB આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવા માટે સંમત થઇ છે. હવે ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો દુબઈમાં રમશે. આ દરમિયાન ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે આ ટુર્નામેન્ટને લઈને એક વિચિત્ર નિવેદન આપ્યું છે.
હકીકતમાં BCCI અને PCB વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. અગાઉ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટે કહ્યું હતું કે, અમારી ટીમ ભારતમાં યોજાનારી ICC ટુર્નામેન્ટમાં ભાગ લેવા ત્યાં જશે નહી.
શું કહ્યું ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે?
આ વિવાદ વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અહેમદ શહેઝાદે ચોકાવનારું નિવેદન આપતા કહ્યું કે, 'મેં સરહદ પર સ્ટેડિયમ બનાવવાનું સૂચન કર્યું હતું. જેમાં એક દરવાજો ભારત તરફ અને બીજો દરવાજો પાકિસ્તાન તરફ હશે. ખેલાડીઓ પોતપોતાના ગેટ પરથી આવશે અને સ્ટેડિયમમાં રમશે.' તેમના આ નિવેદન બાદ શહજાદને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
2024 થી 2027 સુધી હાઇબ્રિડ મોડલના આધારે મેચ યોજાશે
હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ICCની એક બેઠક યોજાઈ હતી. જેમાં ICCએ કહ્યું હતું કે, વર્ષ 2024 થી 2027 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હાઈબ્રિડ મોડલ હેઠળ જ યોજાશે. આ બંને ટીમો તેમની મેચ તટસ્થ સ્થળો પર રમશે. બીજી તરફ ICCએ હજુ સુધી ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું નથી. જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.