શ્રીલંકાના કેપ્ટને અમ્પાયરને અપશબ્દો બોલતાં ICCએ લીધી કડક એક્શન
શ્રીલંકાએ અફઘાનિસ્તાન સામે રમાયેલી T20I સીરિઝ 2-1થી જીતી
Image:Social Media |
ICC Banned Wanindu Hasaranga : શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં જ ત્રણ મેચની T20I સીરિઝ રમાઈ હતી. આ સીરિઝ શ્રીલંકાએ 2-1થી જીતી હતી. જો કે આ જીત બાદ તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. ICCએ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગા પર બે મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાનિસ્તાન સામેની T20I સીરિઝની ત્રીજી મેચ દરમિયાન હસરંગાએ અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને આ આરોપ બાદ તે દોષી સાબિત થયો છે.
અમ્પાયરને નો બોલ ન આપવા બદલ આપ્યો ઠપકો
અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે T20I સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ દામ્બુલામાં રમાઈ હતી. આ મેચ બાદ હસરંગાએ અમ્પાયર લિંડન હેનિબલને નો બોલ ન આપવા બદલ ઠપકો આપ્યો હતો. આ મામલા બાદ હસરંગાને મેચ ફીના 50 ટકા દંડ અને 3 ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. છેલ્લા 24 મહિનામાં તેના ડીમેરિટ પોઈન્ટ વધીને 5 થઈ ગયા છે. ICCના નવા નિયમો અનુસાર તેના 5 ડીમેરિટ પોઈન્ટ બે મેચના પ્રતિબંધમાં ફેરવાઈ ગયા છે.
બાંગ્લાદેશ સામે રમાનાર T20I સીરિઝનો ભાગ નહીં હોય હસરંગા
હસરંગા હવે એક ટેસ્ટ મેચ અથવા બે ODI અથવા બે T20I મેચ રમી શકશે નહીં. જે પણ મેચ પહેલા રમાશે તેમાંથી તે બહાર થઈ જશે. તેથી હસરંગા આવતા મહિને શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર T20I મેચમાંથી બહાર થઈ જશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે 4 માર્ચથી T20I સીરિઝ રમાશે. હસરંગા 4 અને 6 માર્ચે રમાનારી T20I મેચનો ભાગ નહીં હોય.