T20 ક્રિકેટમાં રચાયો ઇતિહાસ, પહેલી વખત રેન્કિંગમાં નંબર વન બન્યો ભારતીય ઓલરાઉન્ડર

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
T20 ક્રિકેટમાં રચાયો ઇતિહાસ, પહેલી વખત રેન્કિંગમાં નંબર વન બન્યો ભારતીય ઓલરાઉન્ડર 1 - image



Latest ICC T20I Rankings: ટી 20 વર્લ્ડકપ 2024 સમાપ્ત થયા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટી 20 ખેલાડીઓની નવી રેન્કિંગ યાદી જાહેર કરી છે. જેમાં ભારતના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યાએ પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું છે. ICCના નવા રેન્કિંગ મુજબ હાર્દિકે શ્રીલંકાના વાનિંદુ હસરંગા પાસેથી ટી 20માં નંબર વન ઓલરાઉન્ડરનો તાજ છિનવી લીધો છે. ICC T20 રેન્કિંગના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઇ ભારતીય ખેલાડી નંબર 1 ઓલરાઉન્ડર બન્યો છે. હાર્દિક અને હસરંગા બંનેના 222 રેટિંગ પોઇન્ટ છે. જો કે, આઇસીસીએ ટી 20 વર્લ્ડકપમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર હાર્દિકને ટોચ પર રાખ્યો છે અને  હસરંગાને બીજો નંબર આપ્યો છે. આ રેન્કિંગ સાથે હાર્દિક પંડ્યા હવે ટી 20 ફોર્મેટમાં કેપ્ટન બનવાનો મજબૂત દાવેદાર પણ બની ગયો છે.

કઈ રીતે અને કોનું રેન્કિંગ વધ્યું?
ICCએ બહાર પાડેલી નવી રેન્કિંગમાં હાર્દિક પંડ્યાને બે ક્રમ અને 9 પોઇન્ટનો ફાયદો થયો છે. અગાઉ આ યાદીમાં તે ત્રીજા ક્રમાંકે હતો. તમને જણાવી દઇએ કે, ટી 20 વર્લ્ડકપમાં 8 મેચોમાં 144 રન બનાવવા ઉપરાંત હાર્દિકે 11 વિકેટ પણ ઝડપી હતી. તેણે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ મેચમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી તેમજ છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કરી ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ટી 20 ઓલરાઉન્ડર રેન્કિંગના ટોપ 10માં બીજા પણ બદલાવ થયા છે. જે મુજબ ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસ (ત્રીજા ક્રમે), ઝિમ્બાબ્વેના સિકંદર રઝા (ચોથા ક્રમે), બાંગ્લાદેશના શાકિબ અલ હસન (પાંચમા ક્રમે) અને ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન (આઠમા ક્રમે) એક-એક સ્થાન ઉપર આવ્યા છે. તેમજ ચાર સ્થાન નીચે ઉતરી અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ટોપ-5ની બહાર થઇ ગયો છે.

ટી 20 બોલર્સ રેન્કિંગ
આંતરરાષ્ટ્રીય ટી 20 બોલર્સ રેન્કિંગની વાત કરીએ તો ટોપ પર ઇંગ્લેન્ડના આદિલ રાશિદે (718 પોઇન્ટ) પોતાનો કબજો યથાવત રાખ્યો છે. 675 પોઇન્ટ સાથે સાઉથ આફ્રિકાના એનરિક નોર્ખિયાએ બીજા સ્થાને પહોંચી પોતાના કરિયરનો શ્રેષ્ઠ રેન્ક હાંસલ કર્યો છે. આ રેન્કિંગમાં તેને સાત સ્થાનનો ફાયદો મળ્યો છે. ત્રીજા ક્રમ પર શ્રીલંકાનો વાનિંદુ હસરંગા યથાવત છે. ટી 20 વર્લ્ડકપમાં 15 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીતાનારો ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (640 પોઇન્ટ) 12 ક્રમ ઉપર ચઢી આ યાદીમાં 12મા ક્રમે આવી ગયો છે. ભારતનો સ્પિનર કુલદીપ યાદવે (654 પોઇન્ટ) બોલીંગ રેન્કિંગમાં 3 ક્રમ ઉપર આવી ટોપ-10માં પ્રવેશ કરતાં આઠમો સ્થાન મેળવ્યો છે. બેટ્સમેન રેન્કિંગના ટોપ-10માં કોઇ ખાસ ફેરફાર નથી થયો છે.


Google NewsGoogle News