IAS અધિકારીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં જીત્યો સિલ્વર મેડલ, અગાઉ પણ ભારત માટે મેડલ જીતી ચૂક્યા છે
Paris Paralympics, Suhas Yathiraj: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય બેડમિન્ટન એથ્લીટ અને IAS અધિકારી સુહાસ યથિરાજે ઈતિહાસ રચી દીધો છે. સુહાસ યથિરાજે મેન્સ સિંગલ્સની SL4 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારત અત્યાર સુધીમાં પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ઐતિહાસિક રેકોર્ડ બનાવતા કુલ 15 મેડલ જીતી ચૂક્યું છે. સુહાસે સતત બીજી વખત પેરાલિમ્પિક્સમાં મેડલ જીત્યો છે. અગાઉ 2020માં ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ સુહાસ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. તેઓ હવે પેરાલિમ્પિકસમાં સતત બે મેડલ જીતનારા ભારતના પહેલા બેડમિન્ટન ખેલાડી બની ગયા છે.
બેડમિન્ટન મેન્સ સિંગલ્સની SL4 કેટેગરીની ફાઈનલ મેચ સુહાસ યથિરાજ અને ફ્રાન્સના લુકાસ મઝૂર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સુહાસ સતત બે સેટ હારી ગયા હતા. સુહાસને લુકાસ સામે પહેલો સેટ 9-21થી ગુમાવ્યો હતો. બીજી સેટમાં સુહાસે લડત આપવાની કોશિશ કરી હતી પરંતુ આ સેટમાં પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તારીખ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે
સુહાસ યથિરાજનો જન્મ કર્ણાટકના શિમોગામાં થયો હતો. તેમણે જન્મથી જ વિકલાંગતાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું છે. તે નાનપણથી જ બેડમિન્ટન રમતા હતા. વર્ષ 2005માં પિતાના અવસાન બાદ તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. પિતાના અવસાન બાદ સુહાસે સિવિલ સર્વિસમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો. આ પછી તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. 2007 બેચના આઈએએસ અધિકારી સુહાસે જ્યારે તેઓ આઝમગઢમાં ડીએમ તરીકે પદ પર હતા ત્યારે તેમણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી.