...તો મને હાર્ટઍટેક આવી ગયો હોત: અશ્વિને સંન્યાસ પછી કોલ ડિટેલ્સ શેર કરીને જુઓ શું કહ્યું
Ravichandran Ashwin : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પીનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. સીરિઝની ત્રણ ટેસ્ટ મેચ રમાઈ ગઈ છે. અને અશ્વિને ત્રીજી ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું અને તે સ્વદેશ ભારત પરત ફર્યો હતો નિવૃત્તિના બે દિવસ પછી અશ્વિને ભારતીય ક્રિકેટર તરીકેના તેના છેલ્લા દિવસના કોલ લોગનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અશ્વિનને તેના પિતા ઉપરાંત સચિન તેંડુલકર અને કપિલ દેવ જેવા દિગ્ગજ ખેલાડીઓને કોલ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર અશ્વિને કોલ લોગ શેર કર્યો
ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે તો અશ્વિનની નિવૃત્તિ અંગે ત્યાં સુધી કહ્યું હતું કે, ભારતીય ટીમે તેને નિવૃત્તિ લેતા અટકાવવો જોઈતો હતો. આટલા મોટા ખેલાડીને નિવૃત્તિ લેવાની મંજૂરી ન આપવી જોઈતી હતી. હાલ આર અશ્વિન 38 વર્ષનો છે. જો કે, અશ્વિન ક્લબ ક્રિકેટ અને ઘરેલું ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. પરંતુ હવે તે ભારત તરફથી રમતો જોવા મળશે નહીં. સોશિયલ મીડિયા પર કોલ લોગ શેર કરતા અશ્વિને લખ્યું હતું કે, 'જો કોઈએ મને 25 વર્ષ પહેલા કોઈએ મને કહ્યું હોત, તમારી પાસે સ્માર્ટ ફોન હશે અને એક ભારતીય ક્રિકેટર તરીકેના મારા છેલ્લા દિવસનો કોલ લોગ આવો દેખાશે તો એ જ ક્ષણે મને હાર્ટ એટેક આવી ગયો હોત. સચિન તેંડુલકર અને કપિલ દેવ પાજી થેંક યુ.'
આ પણ વાંચો : જ્યારે વિરોધી ટીમે અશ્વિનનું અપહરણ કરી લીધું, આંગળી કાપી નાખવાની આપી હતી ધમકી
અશ્વિનની ક્રિકેટ કારકિર્દી
અશ્વિનની નિવૃત્તિ વિશે તેના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'તે વધુ અપમાન સહન કરી શક્યો નહી અને તેથી જ તેણે નિવૃત્તિ લઇ લીધી.' અશ્વિને ભારતીય ટીમ માટે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે 106 ટેસ્ટ, 116 વનડે અને 65 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે 547, 156 અને 72 વિકેટ ઝડપી હતી. જેમાં તેણે 3503, 707, 184 રન બનાવ્યા હતા. અશ્વિને ટેસ્ટમાં 6 સદી અને 14 અડધી સદી અને વનડેમાં તેણે એક અડધી સદી ફટકારી હતી.