હું તને કશું થવા નહીં દઉ: મોદી સ્ટેડિયમમાં મેદાનમાં ઘૂસી આવેલા ચાહકને ધોનીએ કર્યો હતો વાયદો
Dhoni Pitch Invader Conversation: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અન્ય ક્રિકેટરો કરતા સહેજ ઉપરનો ઓજ્જો દરજ્જો આપવામાં આવે છે. તેઓ ખૂબ જ દયાળુ છે અને ફેન્સને શક્ય ત્યાં સુધી ક્યારેય નિરાશ કરતા નથી. એરપોર્ટ હોય કે હોટલમાં થાલાને મળવા આવતા ફેન્સની દરેક વાત, માહી સાંભળે છે અને તેમની ઈચ્છાઓ પુરી કરે છે. ફરી એકવાર માહીએ સાબિત કર્યું છે કે તેને કેમ લેજન્ડ કહેવામાં આવે છે.
IPL 2024નું આધિકારીક સમાપન થઈ ગયું છે પરંતુ ક્રિકેટ જગતની સૌથી મોટી લિગના અનેક કિસ્સાઓ માનસપટલ પર છવાઈ ગયા છે. IPL 2024માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ GT vs CSKની મેચમાં ધોનીનો એક ફેન મેદાન વચ્ચે દોડી આવ્યો હતો. આ યુવાન મેદાન વચ્ચે દોડી આવતા મેચ અટકી પડી હતી. આ મહાશય ગ્રાઉન્ડ પર દોડી આવીને ધોનીને પગે પડ્યો હતો. ધોની સાથેની આ યાદગાર પળો વિશે આ ક્રિકેટ ફેન્સે એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે.
આ ફેનના એક વાયરલ થઈ રહેલ વીડિયોમાં તેની અને ધોની વચ્ચે શું થયું તેનો ખુલાસો કરતો નજરે પડે છે. આ ચાહકે જણાવ્યું કે, ધોની સાથેની 21 સેકન્ડની વાતચીત મારા જીવનની અવિસ્મરણીય પળો હતી. આ દરમિયાન ધોનીએ મને મારી સમસ્યા વિશે પણ પૂછી લીધું અને તેમાં મદદરૂપ થવા માટે એક મોટું પણ વચન આપી દીધું હતુ.
શું વાત થઈ ?
ધોનીના ફેને કહ્યું કે, હું જાળી કૂદીને ઝડપથી ગ્રાઉન્ડ પર દોડ્યો હતો,તે જોઈને ધોની સર પણ દોડ્યા, મારાથી દૂર ભાગ્યા હતા પરંતુ અંતે મેં આત્મસમર્પણ કર્યું અને તેઓની નજીક જઈને પગે પડ્યો ત્યારે ધોનીએ કહ્યું કે હું તો મજાક કરી રહ્યો છું દોસ્ત. યુવકે કહ્યું, "હું પાગલ થઈ ગયો. મેં તેમના પગને સ્પર્શ કર્યો. આ એક અલૌકિક અનુભવ હતો. મારી આંખોમાં આંસુ હતા. આ સ્થિતિમાં પણ તેમણે મને પૂછ્યું કે હું કેમ હાંફું છું. મેં ધોનીને કહ્યું કે મને મારા નાકમાં સમસ્યા(બિમારી) છે. માહી ભાઈએ કહ્યું કે, ચિંતા ના કરતો, હું તને કંઈ નહિ થવા દઉ.
ગાર્ડ્સને ફટકાર :
વીડિયો ઈન્ટરવ્યુ અનુસાર બાદમાં આ ક્રિકેટ ચાહકે કહ્યું કે ,મેં ધોની સાથે 21 સેકન્ડ સુધી વાત કરી અને પછી બાઉન્સર આવ્યા. બાઉન્સરોએ મને પકડી લીધો હતો પરંતુ ધોનીએ મને છોડાવ્યો અને બહાર લઈ જનારા ગાર્ડ્સને કડક શબ્દોમાં કહ્યું કે, તેને કઈં ન કરતા, તેને જવા દો. એક વખત નહિ પરંતુ ત્રણ વખત માહીએ બાઉન્સરોને આકરા સ્વરમાં મને જવા દેવા માટે કહ્યું હતુ.