હું એક-બે મહિના ડિપ્રેશનમાં હતો: IPLના નવા સ્ટાર ખેલાડીએ કોચ પર લગાવ્યો આરોપ
Image Source: Twitter
IPL 2024, Ashutosh Sharma: મધ્યપ્રદેશના પ્રતિભાશાળી ખેલાડી આશુતોષ શર્માએ પોતાની IPL ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંજાબ કિંગ્સ ઈલેવન તરફથી રમી રહેલા આશુતોષે 17 બોલમાં 31 રન ફટકારીને ગુજરાત ટાઈટન્સ સામે પોતાની ટીમને જીત અપાવી હતી. આશુતોષે કહ્યું કે હું એક વખત ટીમમાંથી બહાર થઈ ગયા બાદ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. જ્યારે સારું પ્રદર્શન કરવા છતાં મને મધ્યપ્રદેશની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
હું ડિપ્રેશનમાં હતો: આશુતોષ શર્મા
આશુતોષે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 2019માં મેં મારી છેલ્લી મેચમાં મધ્યપ્રદેશ માટે T20માં 84 રન બનાવ્યા હતા. ત્યાર બાદ એક કોચ આવ્યો જે મને પસંદ નહતો કરતો. ટ્રાયલ સેશનમાં પણ મેં 40-45 બોલમાં 90 રન બનાવ્યા હતા પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મને સિલેક્ટ કરવામાં ન આવ્યો. આ કારણે હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. ત્યારબાદ હું અંડર 23 રમ્યો અને 4 મેચમાં 200થી વધુ રન બનાવ્યા.
મને ગ્રાઉન્ડ જોવાનો પણ મોકો ન મળ્યો: આશુતોષ શર્મા
આશુતોષે આગળ કહ્યું કે, તે કોરોના મહામારીનો સમય હતો. તે સમયે રમવા માટે માત્ર 20 લોકો જઈ શકતા હતા. આ કારણે હું હોટલમાં જ બેસી રહેતો હતો. હું 1 થી 2 મહિના સુધી ડિપ્રેશનમાં હતો. મને ગ્રાઉન્ડ જોવાનો પણ મોકો ન મળ્યો. હું માત્ર જીમમાં જતો હતો અને પાછો મારા રૂમમાં આવી જતો હતો. આશુતોષ જે કોચની વાત કરી રહ્યા છે તે કેકેઆરના કોચ ચંદ્રકાંત પંડિત છે. તેમના કોચિંગમાં આશુતોષને રમવાની બહુ ઓછી તક મળી છે.
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલની 89રનની ધમાકેદાર ઈનિંગની મદદથી 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમે 111 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શશાંક સિંહે મોર્ચો સંભાળ્યો હતો. તેણે 29 બોલમાં 61 રન બનાવીને પંજાબ કિંગ્સને જીત અપાવી હતી. આ જ મેચમાં આશુતોષ શર્મા 17 બોલમાં 31 રનની શાનદાર ઈનિંગ રમ્યો હતો.