મારામાં કેપ્ટનશીપ કરવાની આવડત તો હતી જ પણ...: નિવૃત્તિ બાદ અશ્વિનનું મોટું નિવેદન
Ravichandran Ashwin : બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ બાદ સ્પીનર આર. અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. બીજા દિવસે તે ભારત પાછો ફર્યો હતો. ત્યારબાદ ચેન્નાઈમાં તેમના ઘરે લોકો તરફથી તેમનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ એથરટન અને નાસિર હુસૈન સાથેની વાતચીતમાં અશ્વિને મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, હું ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી શક્યો હોત અને મારી પાસે નેતૃત્ત્વની પ્રતિભા પણ છે. પરંતુ આવું ન થયું અને મને તેનો કોઈ અફસોસ નથી.
શું કહ્યું અશ્વિને ?
કેપ્ટનશીપના પ્રશ્ન પર આર. અશ્વિને કહ્યું હતું કે, 'આ ખૂબ જ રસપ્રદ છે. કારણ કે હું સારી રીતે જાણું છું કે મારા માટે શું સારું છે અને અન્ય માટે શું સારું નથી. જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે ઘણી વખત મને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કેપ્ટનશીપ મળી હતી. આ સમયગાળા દરમિયાન મેં ટીમ માટે ઘણી ટુર્નામેન્ટ પણ જીતી હતી. મને લાગે છે કે મારામાં કેપ્ટન બનવાની પ્રતિભા હતી. પરંતુ મને એ વાતનું દુઃખ નથી કે હું મારા દેશની ટીમની કેપ્ટનશીપ ન કરી શક્યો.'
જો મને કેપ્ટનશીપ મળી હોત તો...........
અશ્વિને વધુમાં કહ્યું હતું કે, 'અમુક વસ્તુઓ છે જેને હું નિયંત્રિત કરી શકતો નથી. અહીં કેટલાક લોકોને સમજવું અઘરું હતું કે હું કેપ્ટનશીપમાં સારો છું. પરંતુ મારે એવા 15-10 લોકોને પણ સાથે લાવવા પડ્યા કે જેઓ વિચારતા હતા કે હું કેપ્ટન બની શકું છું. મને લાગે છે કે મારી કારકિર્દીનું આ ચેપ્ટર મારા માટે હતું નહી. કેટલાક લોકોને કદાચ લાગ્યું કે હું તેના માટે યોગ્ય નથી. પરંતુ આનો અર્થ એ નથી કે હું કેપ્ટનશીપ માટે સારો ન હતો. લીડરશીપ એ નથી કે તમે માત્ર કેપ્ટન છો. તેના માટે તમારે કેપ્ટનશીપની જરૂર નથી. કારણ કે મારી અંદર એક કેપ્ટન હતો જે ઘણીવાર વિચારતો હતો કે તે બીજાને કેવી રીતે સુધારી શકે અને મેં તે જ કર્યું. મેં તેમાં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું અને મને કોઈ અફસોસ નથી. હા, જો મને કેપ્ટનશીપ મળી હોત તો પણ મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું હોત.'
આ પણ વાચો : અક્ષર પટેલની જગ્યાએ તનુષ કોટિયનને કેમ ટીમમાં સામેલ કરાયો? રોહિત શર્માએ આપ્યો જવાબ
અશ્વિનની ક્રિકેટ કારકિર્દી
અહીં તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોમાંથી અશ્વિને માત્ર એક જ ટેસ્ટ રમી હતી. તેણે 537 ટેસ્ટ વિકેટ ઝડપીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી નિવૃત્તિ લીધી હતી. અનિલ કુંબલેએ લીધેલી 619 વિકેટ પછી તે બીજા નંબરે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડી છે. આ સાથે અશ્વિને ચાર વખત ટેસ્ટમાં સદી ફટકારવાની અને પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેનાથી માત્ર ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર ઈયાન બોથમે સારૂ પ્રદર્શન કર્યું છે. જેણે આવું કારનામું પાંચ વખત કર્યું હતું.