IPL 2025: કઈ રીતે કામ કરશે RTM નિયમ? ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ, જાણો કેમ
Right To Match Rules In IPL 2025 : આગામી IPL 2025ની સીઝન પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે. જે આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં થઈ શકે છે. આ પહેલા તમામ 10 ફ્રેન્ચાઇઝીએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બનાવીને 31 ઓક્ટોબર સુધીમાં BCCIને સોંપવાની છે.
નવા નિયમ અનુસાર ફ્રેન્ચાઇઝઓને RTM કાર્ડનો ઉપયોગ કરવાની તક મળશે
અહીં તમને જણાવી દઈએ કે BCCIએ હાલમાં જ જાહેર કરેલા રિટેન્શનના નવા નિયમ અનુસાર કોઈ એક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. જો કોઈ ટીમ 6 કરતા ઓછા ખેલાડીઓને રિટેન કરશે તો તે કિસ્સામાં ફ્રેન્ચાઇઝને ઓકશન દરમિયાન રાઇટ ટુ મેચ(RTM) કાર્ડનો ઉપયોગ કરવાની તક મળશે. RTMના નવા નિયમને કારણે ખેલાડીઓ પર ઘણાં પૈસાની વર્ષા થઈ શકે છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે આ RTM નિયમ છે શું? અને તે કેવી રીતે કામ કરે છે? આ નિયમને કારણે ખેલાડીઓને લાભ થશે કે નુકશાન? ચાલો જાણીએ તેના વિશે...
આ RTM નિયમ છે શું?
ફ્રેન્ચાઇઝીઓ માટે RTMની નિયમ એક પ્રકારનો વિકલ્પ છે. જેનો ઉપયોગ કરીને ફ્રેન્ચાઇઝીઓ ઓકશનમાં પોતાની ટીમમાં તે ખેલાડીનો સમાવેશ કરી શકે છે કે જેણે તેમને તાજેતરમાં રિલીઝ કર્યો હતો. ઓકશનમાં ભલે અન્ય ફ્રેન્ચાઇઝી તે ખેલાડી પર વધુ બોલી લગાવે, તો પણ જૂની ફ્રેન્ચાઇઝીને RTM નિયમ હેઠળ તે ખેલાડીને ફરીથી ખરીદવાની તક મળશે.
જ્યારે કોઈ ખેલાડી માટે બોલી લગાવવામાં આવે છે, ત્યારે જે ટીમ છેલ્લી બોલી લગાવે છે તે ટીમ ખરીદવાની સ્થિતિમાં હોય છે. પછી જૂની ટીમને પૂછવામાં આવશે કે શું તે RTM નિયમનો ઉપયોગ કરવા માંગે છે કે નહીં? જો તેઓ હા કહેશે તો જે ટીમ છેલ્લી બોલી લગાવશે તેને છેલ્લી બોલી લગાવવાની તક મળશે. તે પછી જો જૂની ટીમ RTM નિયમનો ઉપયોગ કરે છે, તો તેણે વધેલી રકમ ચૂકવવી પડશે. અન્યથા બિડિંગ ટીમ તે ખેલાડીને ખરીદી લેશે.
ઉદાહરણ દ્વારા સમજીએ
એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે, ગુજરાત ટાઇટન્સની ટીમ ઝડપી બોલર મોહમ્મદ શમીને રિટેન કરતી નથી. જેથી કરીને શમી હવે ઓકશનમાં જશે. પછી ધારો કે ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમ તેના પર 10 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવે છે. ત્યારે ગુજરાતની ટીમને RTM નિયમોનો ઉપયોગ કરીને તેમની ટીમમાં શમીને પાછો સામેલ કરવાની તક મળશે.
જો હવે ગુજરાતની ટીમ હા પાડે છે કે તેઓ RTMનો ઉપયોગ કરશે. તો પછી ચેન્નાઈને છેલ્લી બોલી લગાવવાની તક મળશે. પછી ધારો કે ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી 15 કરોડ રૂપિયાની અંતિમ બિડ કરે છે. ત્યારે ગુજરાતે RTM નિયમ હેઠળ શમીને આ જ કિંમતે ખરીદવો પડશે. જો તે આવું નહીં કરે તો ચેન્નાઈની ટીમ શમીને 15 કરોડ રૂપિયામાં ખરીદી લેશે.
ખેલાડીઓને મળશે વધુ પૈસા
આ ઉદાહરણથી તમે એ પણ સમજી ગયા હશો કે ખેલાડીઓને આ નિયમથી કઈ રીતે વધુ પૈસા મળી શકશે. જ્યારે નવી ફ્રેન્ચાઈઝી અને જૂની ફ્રેન્ચાઈઝી વચ્ચે ખેલાડી ખરીદવા માટે સ્પર્ધા થશે ત્યારે ખેલાડીઓને છેલ્લી બોલી સુધી મોટી રકમ મળવાની ઘણી આશા છે.