હાર્દિક પંડ્યાની લીડરશીપ અચાનક કેવી રીતે છીનવાઈ? દિગ્ગજ ભારતીય ક્રિકેટર પણ અચરજમાં
Hardik Pandya's leadership : હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટનો કેપ્ટન કેમ ન બનાવવામાં આવ્યો? ઇંગ્લેન્ડ સામેની T20 સીરિઝમાં અક્ષર પટેલ ત્યાં હોવા છતાં તેને ઉપ-કેપ્ટન તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો... આવા કેટલાક સવાલો હાલમાં ક્રિકેટ ચાહકોને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ 2022 પહેલા જ એક લીડર તરીકે જોવામાં આવી રહ્યો હતો. તેણે રોહિત શર્માની ગેરહાજરીમાં ઘણી મેચોમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું અને કેપ્ટન તરીકે તેમનો રેકોર્ડ પણ ઉત્તમ રહ્યો હતો. પરંતુ 2023ના વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયા પછી પંડ્યા અચાનક નેતૃત્વ ગ્રુપમાંથી બહાર થઈ ગયો. જ્યારે રોહિત શર્મા 2024 વર્લ્ડ કપ જીત્યા પછી નિવૃત્ત થઈ ગયો. ત્યારે ટીમની કમાન હાર્દિક પંડ્યાને નહીં પણ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી. હવે તેને T20 ટીમનો ઉપ-કપ્તાન ન બનાવવો એ દિનેશ કાર્તિકની પણ સમજની બહાર છે.
આ પણ વાંચો: ભારતના દિગ્ગજ ખેલાડીએ પંતને અરીસો બતાવતા આપી સલાહ, સંજુ સેમસનના કર્યા વખાણ
કાર્તિકે ક્રિકબઝ પર કહ્યું કે, 'ખરેખર મને ખબર નથી કે, હાર્દિકને ઉપ-કેપ્ટન પદ પરથી કેમ હટાવવામાં આવ્યો. મને કોઈ કારણ દેખાતું નથી. તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેણે તે દ્વિપક્ષીય મેચો જીતી છે, જેમાં તે ઉપ-કેપ્ટન હતો.'
19 ફેબ્રુઆરી 2025થી ચેમ્પિયન્સ ટ્રોફી શરુ
આગામી 19 ફેબ્રુઆરી 2025થી ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થવા જઈ રહી છે. ભારત આજે આ ICC ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. ODI ટીમનો ઉપ-કેપ્ટન જસપ્રીત બુમરાહ છે, પરંતુ તે હાલમાં ઈજાથી પીડાઈ રહ્યો છે. જો તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં તેની પસંદગી નહી કરવામાં આવે. તો હવે જોવું રસપ્રદ એ રહેશે કે, હાર્દિક પંડ્યાને ઉપ-કેપ્ટનની જવાબદારી માટે પસંદ કરવામાં આવે છે કે નહીં.
પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ચારમાંથી ત્રણ સીરિઝ જીતી
T20I રેકોર્ડ વિશે વાત કરીએ તો કેપ્ટન તરીકે પંડ્યાએ 16 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. જેમાંથી તે 11 મેચોમાં ભારતને જીત અપાવવામાં સફળ રહ્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ચારમાંથી ત્રણ સીરિઝ જીતી છે.