ટીમ ઇન્ડિયાના ચર્ચિત કોચ ગૌતમ ગંભીરની સંપત્તિ કેટલી? જાણો ક્યાં-ક્યાંથી કરે છે કમાણી
Gautam Gambhir : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. તેણે ઘણી મહત્ત્વપૂર્ણ મેચ અને ટુર્નામેન્ટમાં ટીમને જીત અપાવી હતી. આ સિવાય IPLમાં ગંભીરના નેતૃત્વમાં KKR બે વાર ટાઇટલ જીતી ચૂકી છે. ત્યારબાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેણે IPLમાં જ બે અલગ-અલગ ફ્રેન્ચાઇઝીઓ માટે મેન્ટરની ભૂમિકા ભજવી હતી. તેની નેતૃત્વ કુશળતાને લીધે હાલમાં જ તેને ભારતીય ક્રિકેટ ટીમનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. તેણે રાહુલ દ્રવિડની જગ્યા લીધી હતી. આ સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે ગંભીરની નેટવર્થ કેટલી છે? અને તેની પાસે સંપત્તિ કેટલી છે?
ગૌતમ ગંભીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજારથી વધારે રન બનાવ્યા છે. તેણે ભારત માટે 58 ટેસ્ટ મેચ, 147 વનડે અને 251 T20 મેચ રમી છે. ગંભીર વર્ષ 2003થી લઈને વર્ષ 2016 સુધી ભારતીય ટીમ માટે ક્રિકેટ રમ્યો હતો. પછી વર્ષ 2019માં તેને 17મી લોકસભાની ચૂંટણી માટે દિલ્હીથી ભાજપ તરફથી ટિકિટ મળી હતી. તેણે ચૂંટણીમાં જીત મેળવી હતી. અને તે વર્ષ 2023 સુધી દિલ્હીથી સાંસદ રહ્યો હતો. ત્યારબાદ તેણે રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો હતો. અને પછી 9 જુલાઈ 2024ના રોજ તેને ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો.
જો ગૌતમ ગંભીરની નેટવર્થની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ લગભગ 32 મિલિયન ડૉલર એટલે કે ભારતીય રૂપિયામાં 265 કરોડ રૂપિયા છે. તેની આવક ફક્ત ક્રિકેટમાંથી જ નથી થતી. પરંતુ અનેક બ્રાન્ડના ઍન્ડોર્સમેન્ટ અને બિઝનેસમાંથી પણ તે કમાણી કરે છે. ગંભીરે રેસ્ટોરન્ટમાં પણ પૈસા રોક્યા છે. આ સિવાય ગંભીર સ્ટાર સ્પોર્ટ્સની સ્પોર્ટ્સ પેનલમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે. રોકડ રકમની વાત કરીએ તો ગૌતમ ગંભીર પાસે લગભગ 1,15,000 રૂપિયાની રોકડ છે. આ સિવાય તેણે શેરબજારમાં ઘણાં પૈસા રોક્યા છે.
KKRના કૅપ્ટન તરીકે બે વખત IPLનો ખિતાબ જીતવા બદલ તેને લગભગ 95 કરોડ રૂપિયા મળ્યા હતા. આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે તેને દરેક સિઝન માટે 3.5 કરોડ રૂપિયા આપવામાં આવતા હતા. KKRના મેન્ટર તરીકે તેને એક સિઝન માટે લગભગ 25 કરોડ રૂપિયા મળ્યા હતા.
આ પણ વાંચો : IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં આ દિગ્ગજની વાપસી, માર્ક બાઉચરની જગ્યાએ બન્યો હેડ કોચ
દિલ્લીના રાજીન્દર નગરમાં ગૌતમ ગંભીરની ઘર આવેલું છે. જેમી કિંમત આશરે 15 કરોડ રૂપિયા છે. આ સિવાય નોઇડામાં JP Vish Townમાં તેનો એક પ્લોટ આવેલો છે, જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. તેનો હજી એક મલકાપુર ગામમાં એક પ્લોટ છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ સિવાય ગૌતમ ગંભીરને કારનો પણ ખૂબ શોખ છે. તેના કાર કલેક્શનમાં મારુતિ સુઝુકી SX4, ટોયોટા કોરોલા અને મહિન્દ્રા બોલેરો સ્ટિંગરનો સમાવેશ થાય છે. આ સિવાય ઓડી Q5, BMW 530D જેવી મોંઘી કાર પણ તેની પાસે છે.