10 બોલમાં મેચ ખતમ થઈ ગઈ! ભારતવંશી ક્રિકેટરે કોઈએ વિચાર્યું નહીં હોય એવો રૅકોર્ડ બનાવી દીધો

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
10 બોલમાં મેચ ખતમ થઈ ગઈ! ભારતવંશી ક્રિકેટરે કોઈએ વિચાર્યું નહીં હોય એવો રૅકોર્ડ બનાવી દીધો 1 - image


T20 World Cup Asia Qualifier 2024, Ayush Shukla: હોંગકોંગની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે. હોંગકોંગે આઇસીસી મેન્સ T20 વર્લ્ડકપ એશિયાની ક્વોલિફાયર મેચમાં મંગોલિયા સામે 9 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે હોંગકોંગે માત્ર 10 બોલમાં જ લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. આ મેચમાં હોંગકોંગને જીતવા માટે માત્ર 18 રનનો લક્ષ્ય મળ્યો હતો. 

14.2 ઓવરમાં 17 રન જ બનાવી શકી મંગોલિયાની ટીમ

31 ઑગસ્ટના રોજ બ્યુમસ ઓવલ, કુઆલાલમપુર ખાતે યોજાયેલી આ મેચમાં હોંગકોંગે ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ માટે ઉતરેલી મંગોલિયાની શરુઆત જ ખૂબ ખરાબ રહી. ટીમે 0 રન પર જ પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ 12 રનના સ્કોર પર અડધા બેટર પેવેલિયન તરફ પરત ફરી ચૂક્યા હતા. 17 રનના સ્કોર પર સમગ્ર ટીમે પોતાની વિકેટ ગુમાવી દીધી.

દસનો આંકડો પણ ન સ્પર્શી શક્યા બેટર

મેચમાં મંગોલિયાનો કોઈ પણ બેટર દસનો આંકડો પણ સ્પર્શી શક્યો નહીં. ટીમ તરફથી મોહન વિવેકાનંદને 18 બોલ રમીને સર્વોચ્ચ 5 રન બનાવ્યા. 4 બેટર 0 અને 3 બેટર 2-2 રન બનાવીને આઉટ થયા. હોંગકોંગ તરફથી એહસાન ખાને 3 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ અને યાસિમ મુર્તજાએ 1.2 ઓવરમાં 1 રન આપીને 2 વિકેટ મેળવી.

ભારતવંશી આયુષ શુક્લાએ રચ્યો ઇતિહાસ

હોંગકોંગના ભારતવંશી ઝડપી બોલર આયુષ શુક્લાએ 4 ઓવર ફેંકી અને આ ચારેય ઓવર તેણે મેડન નાખી. તેણે આ સ્પેલ દરમિયાન 1 વિકેટ પણ લીધી. આ વિકેટ તેણે મંગોલિયાના બેટર બટ યલાયિત નમસરાયની લીધી. સૌથી પહેલા 4 ઓવરની પૂરી સ્પેલ મેડન કેનેડાના સાદ બિન જફરે નાખી હતી. તેણે 2021માં પનામા વિરુદ્ધ આ કારનામુ કર્યું હતું. બીજી વખત આ કારનામું ન્યુઝીલૅન્ડના લોકી ફર્ગ્યૂસને કર્યું, જેણે તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપમાં પાપુઆ ન્યુ ગિની વિરુદ્ધ 4 ઓવરમાં તમામ મેડન ઓવર કરી હતી. આ દરમિયાન તેણે 3 વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો: કેન્સર હોસ્પિટલ પહોંચ્યા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર, પીડિત બાળકોનો વધાર્યો જુસ્સો, લોકોના વખાણ

ભારત વિરુદ્ધ પણ પોતાનો દમ બતાવી ચૂક્યો છે આયુષ

આયુષ શુક્લાએ હોંગકોંગ માટે અત્યાર સુધી 34 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 8.62 ની ઇકોનોમીથી 29 વિકેટ લીધી છે. આ પહેલા તેનું સૌથી સારું પ્રદર્શન કંબોડિયા વિરુદ્ધ હતું. કંબોડિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં આયુષે 3-1-3-1ની બોલિંગ કરી હતી. એશિયા કપ-2022માં આયુષ શુક્લાએ ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માની પણ વિકેટ લીધી હતી.

મેચનું પરિણામ શું રહ્યું?

મેચમાં મંગોલિયાએ 14.3 ઓવરમાં કુલ 17 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હોંગકોંગની ટીમે લગભગ 1.4 ઓવરમાં જ મેચ પોતાના નામે કરી લીધી. હોંગકોંગની તરફથી બેટર જીશાન અલીએ 6 બોલ પર 15 રન બનાવીને ટીમને જીત અપાવી દીધી. ટીમે આ લક્ષ્યને પ્રાપ્ત કરતાં પોતાની એક વિકેટ પણ ગુમાવી દીધી.

10 બોલમાં મેચ ખતમ થઈ ગઈ! ભારતવંશી ક્રિકેટરે કોઈએ વિચાર્યું નહીં હોય એવો રૅકોર્ડ બનાવી દીધો 2 - image


Google NewsGoogle News