IND vs ENG: હૈદરાબાદમાં ઘાયલ થયેલા રવિન્દ્ર જાડેજાની પહેલી પ્રતિક્રિયા આવી સામે
નવી દિલ્હી,તા. 30 જાન્યુઆરી, મંગલવાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ હૈદરાબાદથી વિશાખાપટ્ટનમ પહોંચી, જ્યારે રવિન્દ્ર જાડેજા બેંગલુરુ પહોંચ્યા. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને જાણકારો બેટ્સમેન કેએલ રાહુલ બંને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે.
ઈજાના કારણે બંને બીજી ટેસ્ટ મેચ રમી શકશે નહીં. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, કેએલ રાહુલ સીરીઝની છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં કમબેક કરી શકે છે, પરંતુ રવિન્દ્ર જાડેજાની ઈજાને સંપૂર્ણ રીતે સાજા થવામાં સમય લાગશે. રવિન્દ્ર જાડેજા બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) પહોંચ્યા છે.
રવિન્દ્ર જાડેજાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નેશનલ ક્રિકેટ એકેડમીનો ફોટો શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું કે, ‘આગામી કેટલાક દિવસો માટે ઘર’ આ સાથે જાડેજાએ એક ઉદાસી ઈમોટિકોન પણ શેર કર્યું છે.
રવિન્દ્ર જાડેજાએ હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી અને 87 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી પ્રથમ દાવમાં રવિન્દ્ર જાડેજા સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. બીજા દાવમાં રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ લીધી હતી અને બે રન બનાવીને આઉટ થયો હતો. કેએલ રાહુલે પ્રથમ ઇનિંગમાં 86 અને બીજી ઇનિંગમાં 22 રન બનાવ્યા હતા.
હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 436 રન બનાવ્યા હતા. ભારતને 190 રનની લીડ મળી હતી, પરંતુ બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 420 રન બનાવીને જોરદાર વાપસી કરી હતી અને ભારતને 202 રનમાં આઉટ કરીને 28 રનથી મેચ જીતી લીધી હતી. ઓલી પોપે
બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર ટોમ હાર્ટલીએ સાત વિકેટ ઝડપી હતી અને ટીમ ઈન્ડિયાને હરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાના સ્થાને બીજી ટેસ્ટ મેચ માટે સૌરભ કુમાર, વોશિંગ્ટન સુંદર અને સરફરાઝ ખાનને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.