સચિન અને ધોની જેવું સન્માન મળ્યું આ દિગ્ગજ ખેલાડીને, હૉકી ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય
Image:The Hockey India Twitter
PR SREEJESH JERSEY : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ ટોક્યોમાં પણ ટીમે નંબર-3 પર રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સતત બે ઓલિમ્પિક મેડલ બાદ દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમને મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પીઆર શ્રીજેશે નિવૃત્તિ લઈ લીધી છે. હવે ભારતીય હોકીએ એક મોટો અને મહત્વનો નિર્ણય લેતા પીઆર શ્રીજેશની 16 નંબરની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.
હોકી ઈન્ડિયાએ 16 નંબરની જર્સી રિટાયર કરી
હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહે પણ જાહેરાત કરી છે કે, લગભગ બે દાયકાથી 16 નંબરની જર્સી પહેરનારા 36 વર્ષીય શ્રીજેશ જુનિયર રાષ્ટ્રીય કોચની ભૂમિકા નિભાવશે.
સચિન-ધોનીની ક્લબમાં જોડાયા શ્રીજેશ
રમત-જગતમાં દિગ્ગજ ખેલાડીઓની જર્સીને રિટાયર કરવી એ કોઈ નવી વાત નથી. બીસીસીઆઈ તરફથી 2017માં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લેવાયો હતો. પછી બીસીસીઆઈએ 2023માં પૂર્વ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની નંબર 7ની જર્સી રિટાયર કરવાનો નિર્ણય કર્યો હતો.
શ્રીજેશના સન્માનમાં આયોજિત સમારોહમાં ભોલાનાથ સિંહે કહ્યું કે, શ્રીજેશ હવે જુનિયર ટીમનો કોચ બનવા જઈ રહ્યો છે અને અમે સિનિયર ટીમ માટે 16 નંબરની જર્સી હંમેશા માટે નિવૃત્ત કરી રહ્યાં છીએ. અમે જુનિયર ટીમ માટે 16 નંબરની જર્સી નિવૃત્ત નથી કરી રહ્યા. હવે શ્રીજેશના શિરે જુનિયર ટીમમાં બીજા શ્રીજેશને તૈયાર કરવાની જવાબદારી રહેશે.
આ પણ વાંચો: ભારતીય હોકી ટીમના ખેલાડીઓનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત, ઢોલના તાલે ઝૂમ્યાં ખેલાડીઓ