Indian Hockey Team: ક્વાર્ટર ફાઇનલમાં ભારત સાથે ચીટિંગ થઈ? હોકી ઈન્ડિયાએ ઓલિમ્પિકમાં કરી ફરિયાદ
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમની જીતનો હીરો ગોલકીપર પીઆર શ્રીજેશ રહ્યો હતો. આ મેચમાં ભારત માત્ર 10 ખેલાડીઓ સાથે રમ્યું હતું કારણ કે ભારતના એક ખેલાડી અમિત રોહિદાસને મિસકન્ડક્ટનું કારણ આપીને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું.
ભારત અને ગ્રેટ બ્રિટનની મેચમાં કેટલાક એવા કિસ્સા બન્યા હતા જેના કારણે ભારત દ્વારા ઓલિમ્પિકમાં ફરિયાદ કરવામાં આવી હતી. હોકી ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં ત્રણ મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
1) વીડિયો અમ્પાયરિંગને લઈને વિવાદ
વીડિયો અમ્પાયર રિવ્યુને લઈને ફરિયાદ કરવામાં આવી હતી કે જ્યારે ભારતીય ખેલાડીને રેડ કાર્ડ આપવામાં આવ્યું ત્યારે અને એ સિવાય પણ આ મેચ દરમિયાન વીડિયો રિવ્યુ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી નહોતી.
2) ગોલકીપરને ચાલુ મેચમાં કોચિંગ
પેનલ્ટી શુટઆઉટ દરમિયાન ગ્રેટ બ્રિટનના ગોલકીપરને ગોલ પોસ્ટની પાછળથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું જે નિયમોની વિરુદ્ધ છે.
3) ગોલકીપર દ્વારા ચાલુ મેચમાં વીડિયો ટેબલેટનો ઉપયોગ
ગ્રેટ બ્રિટનનાં ગોલકીપર દ્વારા ગોલ પોસ્ટની પાછળથી શુટ આઉટ દરમિયાન વીડિયો ટેબલેટના ઉપયોગને લઈને પણ વિવાદ ઊભો થયો હતો.
ઉલ્લેખનીય છે કે અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યા બાદ ભારત આખી મેચમાં લગભગ 40 મિનિટ જેટલો સમય સુધી 10 ખેલાડીઓથી રમી હતી. એક ખેલાડી ઓછો હોવા છતાં ભારતે શાનદાર ડિફેન્સ દ્વારા વિરોધી ટીમને ભારત કરતાં એકપણ ગોલ વધારે ફટકારવા નહોતો દીધો. આખરે બંને ટીમોના ગોલ સરખા રહેતા પેનલ્ટી શુટઆઉટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ભારતનો વિજય થયો હતો.
આ વિવાદ અહીંથી અટક્યો નહોતો. અમિત રોહિદાસના સેમિ ફાઇનલ રમવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે ભારતને સેમિ ફાઇનલમાં એક શાનદાર ડિફેન્ડરની ખોટ સાલશે.