ICCનો ઐતિહાસિક નિર્ણય! વુમન્સ ટી20 પ્રાઈઝ મની કરી મેન્સ સમાન, તો રનર અપને કેટલી મળશે પ્રાઈઝ
Image: Facebook
Womens T20 World Cup Prize Money: મંગળવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મોટો નિર્ણય લીધો. આઈસીસીએ વુમન્સ ક્રિકેટને મેન્સ ક્રિકેટના સમાન લાવીને ઊભું કરી દીધું છે. આઈસીસીના નવા નિર્ણય બાદ આઈસીસી ઈવેન્ટ્સમાં જેટલા રૂપિયા પુરુષને મળશે તેટલા જ રૂપિયા મહિલાઓને મળશે. આ રીતે આઈસીસીએ મેન્સ અને વુમન્સ ક્રિકેટ માટે પ્રાઈઝ મની સમાન કરી દીધી છે. તેની શરૂઆત વુમન્સ ટી20 વર્લ્ડ કપ 2024 થી થઈ જશે. વુમન્સ ટી20 વર્લ્ડ કપ 2024 પહેલી ટુર્નામેન્ટ હશે જેમાં મહિલાઓને પુરુષ ટીમના સમાન પ્રાઈઝ મની મળશે.
હવે વુમન્સ ટી20 વર્લ્ડ કપ જીતનારી ટીમ માલામાલ થશે
એવું માનવામાં આવી રહ્યું છે કે આઈસીસીનો આ નિર્ણય ક્રિકેટ માટે મિસાલ સાબિત થશે. આઈસીસીના વાર્ષિક અધિવેશન જુલાઈ 2023માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે આઈસીસીએ લક્ષ્ય રાખ્યુ હતુ કે આગામી અમુક વર્ષોમાં મહિલા અને પુરુષ ક્રિકેટરોને સમાન પ્રાઈઝ મની મળશે. હવે આઈસીસીએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધુ છે. આઈસીસીની જાહેરાત બાદ સંયુક્ત અરબ અમીરાતમાં થનારી વુમન્સ ટી20 વર્લ્ડ કપમાં જીતનારી ટીમને 2.34 મિલિયન અમેરિકી ડોલર મળશે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 20 કરોડ રૂપિયા આસપાસ છે.
રનર અપને કેટલા રૂપિયા મળશે?
આ પહેલા ગયા વર્ષે વુમન્સ ટી20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. આ વર્લ્ડ કપને ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કર્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતવા પર 1 મિલિયન ડોલર મળ્યા હતા, જે ભારતીય રૂપિયામાં લગભગ 8 કરોડ છે પરંતુ હવે આને 134 ટકા વધારી દેવાયો છે. વુમન્સ ટી20 વર્લ્ડ કપની રનર અપ ટીમને 1.17 મિલિયન ડોલર મળશે, આ રકમ છેલ્લા રનર અપને મળેલી રકમની તુલનામાં 134 ટકા વધુ છે.