હિન્દી રાષ્ટ્રભાષા નથી, રવિચંદ્રન અશ્વિનના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ભારે વિવાદ
Image: Facebook
Ravichandran Ashwin Controversy: ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને થોડા દિવસ પહેલા જ પોતાના ક્રિકેટ કરિયરને અલવિદા કહી દીધું છે. તે હવે એક વખત ફરી ચર્ચામાં આવી ગયો છે કેમ કે એક કોલેજ ઈવેન્ટમાં 'હિન્દી ભાષા' ને લઈને આપવામાં આવેલું તેનું એક નિવેદન મોટાં વિવાદનું કારણ બની ગયું છે. સ્નાતકનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેણે કહ્યું કે 'હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી પરંતુ આ દેશની એક સત્તાવાર ભાષા જરૂર છે.'
એક પ્રાઈવેટ કોલેજ ઈવેન્ટમાં અશ્વિને ભાષાઓના સંદર્ભમાં વાત કરી. જ્યારે તેણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે 'શું કોઈ હિન્દીમાં સવાલ પૂછવા માંગતું નથી તો સૌનું રિએક્શન ખૂબ ચોંકાવનારું રહ્યું. હું માનું છું કે મારે અહીં કહી જ દેવું જોઈએ. હિન્દી દેશની રાષ્ટ્રભાષા નથી પરંતુ માત્ર એક સત્તાવાર ભાષા છે. હિન્દી ભાષા લાંબા સમયથી દક્ષિણ ભારતમાં એક મોટો મુદ્દો બની રહી છે પરંતુ આ સત્ય છે કે આ ભારતની રાષ્ટ્રભાષા નથી.'
રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પર શું કહ્યું?
રવિચંદ્રન અશ્વિન ઘણા વર્ષો સુધી ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓમાંનો એક રહ્યો, પરંતુ તેણે ક્યારેય કેપ્ટનની જવાબદારી લીધી નથી. આ વિષય પર તેણે કહ્યું, 'જ્યારે કોઈ કહે છે કે હું કોઈ કાર્યને કરી શકતો નથી તો હું તેને પ્રાપ્ત કરવામાં પૂરો જીવ ઉમેરી દઉં છું પરંતુ જ્યારે કોઈ કહે છે કે હું કોઈ કાર્ય કરી શકું છું તો તેમાં મારો રસ ઓછો થઈ જાય છે.'
ઉલ્લેખનીય છે કે અશ્વિને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વચ્ચે જ રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી હતી. તેને છેલ્લી વખત એડિલેડ પિંક બોલ ટેસ્ટમાં રમતો જોવામાં આવ્યો. જ્યારે બ્રિસબેન ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થઈ તો તે બાદ અશ્વિને પ્રેસ કોન્સફરન્સમાં અચાનક પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું.