'છેલ્લી ઘડીએ દિલ તૂટી ગયું...', T20 વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ કેપ્ટન માર્કરમનું દર્દ છલકાયું
Image : IANS |
T20 World Cup Final 2024: ભારતીય ટીમે શનિવારે ઈતિહાસ રચી દીધો હતો. ICC ટૂર્નામેન્ટમાં 13 વર્ષના દુષ્કાળનો અંત લાવીને T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રોમાંચક વિજય હાંસલ કરીને ઈતિહાસ રચ્યો. ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને 2007 પછી બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
દક્ષિણ આફ્રિકાનું દિલ તૂટી ગયું હતું
જો કે, આ હારથી દક્ષિણ આફ્રિકા (South Africa)ના કેપ્ટન એડમ માર્કરામ (Aiden Markram)નું દિલ તૂટી ગયું હતું. અને ફરી એકવાર ટીમને ચોકર્સનું ટેગ લાગી ગયું. આફ્રિકાની ટીમ 177 રનના ટાર્ગેટનો ચેઝ કરતી ત્યારે હારી ગઈ હતી, જ્યારે છગ્ગો ફટકારવાના ચક્કરમાં ડેવિડ મિલર બાઉન્ડ્રી પર સૂર્ય કુમાર યાદવના હાથે કેચ આઉટ થયો હતો.
મને ટીમ પર ગર્વ છે : માર્કરામ
અંતિમ ક્ષણોમાં મેચ પલટાઈ ગયા બાદ, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડમ માર્કરામે હાર પર કહ્યું હતું કે, 'હું આ હારથી ખૂબ જ નિરાશ છું અને ખરેખર સારા અભિયાન પછી ખૂબ જ દુઃખી છું પરંતુ સાચું કહું તો ખૂબ ગર્વ છે. અમે સારી બોલિંગ કરી પરંતુ એક અવો ટાર્ગેટ કે જે હાંસલ કરી શકાય તેવો હતો. છેલ્લે સુધી સારી બેટિંગ કરી પરંતુ ટાર્ગેટ ચેઝ કરી શક્યા નહીં. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ખૂબ જ પ્રતિસ્પર્ધી, સન્માનજનક છે અને અમે લડ્યા અને હાર્યા, જેથી મને ટીમ પર ગર્વ છે.'
દક્ષિણ આફ્રિકાને આ ટૂર્નામેન્ટમાં પ્રથમ હાર મળી હતી
નોંધનીય છે કે ફાઈનલ સુધી આ T20 વર્લ્ડ કપ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો અજેય રહી હતી, પરંતુ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ભારતના હાથે 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે શરૂઆતના બે જોરદાર ઝટકા બાદ શાનદાર રમત બતાવી હતી, પરંતુ ચેઝિંગના અંતે હેનરિક ક્લાસેનને હાર્દિક પંડ્યાના હાથે આઉટ થતાં જ મેચનું પાસું સંપૂર્ણપણે પલટાઈ ગયું હતું.
છેવટે આફ્રિકાનો સાત વિકેટે પરાજય થયો હતો
ક્લાસને 27 બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. તેના આઉટ થતાની સાથે જ ડેવિડ મિલર દબાણમાં આવી ગયો અને ભારતની કંપોઝ્ડ બોલિંગ સામે સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે સૂર્ય કુમારના હાથે કેચ આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો. આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન જ બનાવી શકી અને સાત રનથી હારનો સામનો કરવો પડ્યો.