'બાબર આઝમે મને ગર્ભવતી કરીને તરછોડી...', પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી ફસાયો
Babar Azam Harassment Case: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમના યૌન ઉત્પીડન અને દુષ્કર્મ કેસની સુનાવણી 16મી ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. અરજીકર્તા હમીઝા મુખ્તારે લાહોર હાઈકોર્ટને જણાવ્યું કે, 'બાબર આઝમ લાંબા સમયથી મહિલા સાથે રિલેશનમાં હતા. પરંતુ લગ્નનું વચન આપ્યા બાદ બાબરે તેમની સાથે મારપીટ કરી હતી.' જોકે, બાબરના વકીલ હરિસ અઝમત કોર્ટમાં પહોંચ્યા નહોતા, પરંતુ તેમના જુનિયર વકીલે કેસ સ્થગિત કરવાની માંગ કરી હતી, જેને સ્વીકારી પણ લેવામાં આવી હતી.
પીડિતાએ ગર્ભપાતનો આરોપ લગાવ્યો
ફરીવાર લાહોર હાઈકોર્ટ સમક્ષ પોતાનો દાવો રજૂ કરતાં પીડિત મહિલાએ જણાવ્યું હતું કે,'બાબર આઝમે મારું યૌન શોષણ કર્યું, જેના કારણે હું ગર્ભવતી બની. બાદમાં બાબરે મારા પર ગર્ભપાત કરાવવાનું દબાણ કર્યું.' આ મહિલાએ ગર્ભપાત કરાવ્યો અને એવો પણ આરોપ લગાવ્યો કે જેમ જેમ બાબર તેની કારકિર્દીમાં આગળ વધતો ગયો તેમ તેમ તેણે પોતાના વાયદાઓ તોડ્યા. તેણે પોતાના દાવાને સાચા સાબિત કરવા માટે મેડિકલ તપાસના દસ્તાવેજો પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
અહેવાલો અનુસાર, આ મહિલાએ પોલીસ પર એવો પણ આરોપ લગાવ્યો કે, 'વર્ષ 2021માં મે બાબર આઝમ પર બ્લેકમેલ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હજુ સુધી આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી નથી.'
મહિલાનો વીડિયો વાયરલ થયો હતો
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પાકિસ્તાનની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેમણે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન પર 10 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરવાનો અને લગ્નના બહાને તેને ગર્ભવતી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સમગ્ર મામલાને બાબર આઝમની અંગત બાબત ગણાવીને ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે
ઉલ્લેખનિય છે કે, બાબર આઝમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પાકિસ્તાન ટીમનો ભાગ છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 11 રને હરાવ્યું હતું.