ઓસ્ટ્રેલિયામાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના અલગ અલગ કોચ પર ઊઠ્યાં સવાલ, ગંભીરે મોર્કેલને ખખડાવ્યો!
Gautam gambhir on morne morkel : ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં કારમી હાર થયા બાદ ભારતીય ટીમની ટીકા થઇ રહી છે. આ સાથે કોચ ગૌતમ ગંભીરને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં સિડની ટેસ્ટમાં રોહિત શર્માએ મેચમાંથી બહાર બેસીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કોચની દખલગીરીને કારણે રોહિતને આ નિર્ણય લેવો પડ્યો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કોચ ગૌતમ ગંભીર પ્રેક્ટિસ સેશન દરમિયાન મેદાન પર ગુસ્સે થઈ ગયો હતો. તેણે મેદાનની વચ્ચે બોલિંગ કોચ મોર્ને મોર્કેલને ઠપકો આપ્યો હતો.
શું હતી ઘટના?
એક અહેવાલ અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રેક્ટિસ સેશન દરમિયાન બનેલી આ ઘટના વિશે BCCIના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પ્રવાસ પહેલા પર્સનલ મીટીંગના કારણે મોર્ને મોર્કેલ પ્રેક્ટિસ સેશન માટે થોડો મોડો પહોંચ્યો હતો. આ જોઈને ગૌતમ ગંભીર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે મેદાનની વચ્ચે જ મોર્કેલને ઠપકો આપ્યો હતો.
BCCIની સપોર્ટ સ્ટાફના પ્રદર્શન પર નજર
BCCIના સૂત્રએ જણાવ્યું હતું કે, ગૌતમ ગંભીર શિસ્તને લઈને ખૂબ જ કડક છે. તેણે તરત જ મેદાનમાં મોર્કેલને ઠપકો આપ્યો હતો. BCCI સપોર્ટ સ્ટાફના પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે અને સિનિયર ખેલાડીઓ પાસેથી તેમના યોગદાન વિશે ફિડબેક માંગી રહ્યું છે. વિરાટ કોહલી વારંવાર ઓફ-સ્ટમ્પની બહાર આઉટ થઈ રહ્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ બેટિંગ કોચની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની સ્મૃતિ મંધાનાએ મહિલા વન-ડે ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી સદી ફટકારી
બીજા કોચની નોકરી પણ ખતરામાં
આ સિવાય સૂત્રએ જણાવ્યું હતું કે, બેટિંગ કોચ અભિષેક નાયર સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. ગંભીર પોતે એક મહાન બેટર રહ્યો છે. બોર્ડે ખેલાડીઓને પૂછ્યું છે કે શું નાયર ટીમ માટે કંઈક નવું કરી રહ્યો છે. તેવી જ રીતે, સહાયક કોચ રિયાન ટેની ભૂમિકાની પણ ચર્ચા થઈ રહી છે.