ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે અનેક નિર્ણયો મુદ્દે સંહમતિ નથીઃ અહેવાલોમાં દાવો
Gautam Gambhir Disagreement With Team Management : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં 0-3થી મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઘણી ટીકા થઈ રહી છે. ભારતીય ટીમને બેંગલુરુ, પૂણે અને મુંબઈમાં ખાયે યોજાયેલી ટેસ્ટ મેચોમાં કારમી હારની સામનો કરવો પડ્યો હતો. હવે આગામી પ્રવાસ માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ત્યાં 5 ટેસ્ટ મેચની સીરિઝ 22 નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું.
BCCIએ હારની સમીક્ષા કરી
BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં મળેલી હારની સમીક્ષા કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર, BCCI પ્રમુખ રોજર બિન્ની પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર ગંભીર અને ટીમ મેનેજમેન્ટ કેટલાક નિર્ણયો પર સમાન અભિપ્રાય ધરાવતા નથી.
ગંભીર સાથે સહમત નથી અમુક લોકો
અહેવાલમાં દાવો કરાયો છે કે, 'ગંભીરની કોચિંગની શૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના કેટલાક લોકો મુખ્ય કોચ સાથે સહમત નથી. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી અને ઝડપી બોલર હર્ષિત રાણાની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી ન હતી.'
ખેલાડીની પસંદગીમાં સર્વસંમતિ નથી
હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પસંદગી કરતી વખતે બંનેને સર્વસંમતિથી સમર્થન મળ્યું ન હતું. ગંભીરની કોચિંગ સ્ટાઈલ વિશે પણ ચર્ચા થઈ હતી. જે તેના પહેલાના કોચ રાહુલ દ્રવિડથી ઘણી અલગ છે.
સતત છ કલાકની મેરેથોન મીટિંગ કરવામાં આવી
મળતી માહિતી અનુસાર, ' ટીમની થયેલી હાર બાદ BCCI દ્વારા સતત છ કલાકની મેરેથોન મીટિંગ કરવામાં આવી હતી. ભારતીય ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે ત્યારે BCCI સુનિશ્ચિત કરવા ઇચ્છે કે ટીમ ફરીથી પોતાના ફોર્મમાં પરત ફરે. બોર્ડ જાણવા માંગે છે કે થિંક-ટેન્ક(ગંભીર-રોહિત-અગરકર) આ બાબતે કેવી રીતે કામ કરી રહી છે.'