તે આખી રાત બહાર રહેતો, ફિટનેસ પર ધ્યાન જ નહોતું: પૃથ્વી શૉ મુદ્દે MCAનો જવાબ
MCA On Prithvi Shaw : વિજય હજારે ટ્રોફીમાંથી બહાર થવાથી પૃથ્વી શૉ ખૂબ જ નિરાશ છે. તેણે આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તે 16 સભ્યોની વિજય હજારે ટ્રોફી માટે ટીમમાં જગ્યા બનાવી શક્યો ન હતો. જેના પછી તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનારી મુંબઈની ટીમનો ભાગ હતો. હવે મુંબઈ ક્રિકેટ એસોસિએશન(MCA) એ પહેલી વખત તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
શોને મેદાન પર છુપાવવો પડતો
મુંબઈ ક્રિકેટ એસોસિએશને પૃથ્વી શૉની પોસ્ટને લઈને કહ્યું હતું કે, તે સતત શિસ્તનો ભંગ કરી રહ્યો હતો અને તે ખુદ પોતાનો દુશ્મન છે. MCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે. નબળી ફિટનેસ, વલણ અને શિસ્તના મુદ્દાઓને કારણે ટીમને ઘણીવાર શોને મેદાન પર છુપાવવાની ફરજ પડી હતી. અધિકારીએ કહ્યું હતું કે, 'સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અમે 10 ફિલ્ડરો સાથે રમી રહ્યા હતા. કારણ કે અમારે શૉને છૂપાવવાનો હતો. બોલ તેની પાસેથી પસાર થઈ જતો હતો અને તે તેને પકડી પણ શકતો ન હતો.'
નિયમો દરેક ખેલાડી માટે સમાન
અધિકારીએ શોના વલણની પણ ટીકા કરતા કહ્યું હતું કે, 'નિયમો દરેક ખેલાડી માટે સમાન હોય છે. બેટિંગ કરતી વખતે પણ શૉને બેટથી બોલ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી. તેની ફિટનેસ, શિસ્ત અને વલણ ખરાબ છે. અલગ-અલગ ખેલાડીઓ માટે અલગ-અલગ નિયમો હોઈ શકે નહીં. ટીમના સિનિયર ખેલાડીઓ પણ તેના વલણ અંગે ફરિયાદ કરવા લાગ્યા હતા.'
આખી રાત બહાર રખડતો શો
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન શૉ નિયમિતપણે પ્રેક્ટિસ સેશન ચૂકી જતો હતો. અને આખી રાત બહાર રહ્યા પછી સવારે છ વાગ્યે હોટેલ પહોંચતો હતો. મેદાનની બહારની પ્રવૃત્તિઓને કારણે ખૂબ જ ચર્ચામાં રહેનારો શો પોતાની પ્રતિભાને ન્યાય આપી રહ્યો નથી. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, 'આવી સોશિયલ મીડિયા પોસ્ટ તેને કોઈ ફાયદો કરશે નહીં. મુંબઈના પસંદગીકારો અથવા MCAs સોશિયલ મીડિયા પોસ્ટથી પ્રભાવિત થશે નહીં. શૉએ સહાનુભૂતિ મેળવવા પર નહીં પરંતુ તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.'
અગાઉ પણ શિસ્તભંગને કારણે શોને ટુર્નામેન્ટ બહાર કરાયો હતો
આ પહેલા ઓક્ટોબરમાં શોને મુંબઈની રણજી ટ્રોફી ટીમમાંથી પણ આ જ કારણોસર પડતો મૂકવામાં આવ્યો હતો. શોને IPL 2025ના મેગા ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ ટીમમાં સામેલ કર્યો ન હતો. તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી. પરંતુ તેમ છતાં તેને કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો.