'રોહિત અને કોહલી અંગે વિચારવું પડશે' : મુલતાનના સુલતાને કેમ કરી દિગ્ગજોને હટાવવાની વાત ?

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
'રોહિત અને કોહલી અંગે વિચારવું પડશે' : મુલતાનના સુલતાને કેમ કરી દિગ્ગજોને હટાવવાની વાત ? 1 - image


T20 વર્લ્ડકપ 2024માં ભારતનો વિજયરથ યથાવત જોવા મળી રહ્યો છે. રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે 6માંથી 5 મેચ રમી છે અને તમામમાં સફળતા હાંસલ કરી છે અને એક મેચ વરસાદના વિધ્નને કારણે રદ્દ થઈ હતી. ભારતની આજની ઓસ્ટ્રેલિયા સામેની મેચ પર કાળા વાદળો મંડરાઈ રહ્યાં છે. જોકે આજની અને સિઝનની આગામી બાકી મેચમાં ક્રિકેટ ફેન્સથી લઈને સિલેકટર્સ અને પૂર્વ ખેલાડીઓ, તમામનું સૌથી વધુ ધ્યાન ટીમ ઈન્ડિયાના બે સૌથી દિગ્ગજ બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે. 

આ વર્લ્ડ કપમાં બંને વિસ્ફોટક બેટ્સમેનોના બેટ હજુ સુધી મજબૂત સ્કોર બનાવી શક્યા નથી પરંતુ તેમ છતા ટીમ હજુ જીતી ગઈ છે. આ બંને ખેલાડીઓના પ્રદર્શન પર સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ભારતના આગામી કોચ પદના સૌથી પ્રબળ દાવેદાર ગૌતમ ગંભીર દ્વારા પર રેડ સિગ્નલની પૂર્વ શરત મુક્યા બાદ હવે પૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે તો ખુલ્લા મોઢે કહી દીધું કે, જો તેમના બેટમાંથી રન નથી આવતા તો આપણે તેમને ટીમમાંથી બહાર કરવા અંગે વિચારવું પડશે.

પરફોર્મન્સ કેવું રહ્યું?

વર્લ્ડકપની શરૂઆત પહેલા સૌથી મોટી ચર્ચા હતી કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીને સાથે ઓપનિંગ કરાવવી જોઈએ કે નહિ. આખરે આવું જ થયું અને બંનેની ઓપનિંગ જોડી અત્યાર સુધી વર્લ્ડકપમાં કંઈ ખાસ કમાલ કરી શકી નથી. રોહિત શર્માએ પહેલી જ મેચમાં આયર્લેન્ડ સામે અડધી સદી ફટકારી પરંતુ ત્યારબાદ સતત નિષ્ફળ રહ્યો છે જ્યારે કોહલી એક પણ મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી અને 5 ઇનિંગ્સમાં માત્ર 66 રન જ બનાવી શક્યો છે.

સેહવાગે હટાવવાની વાત કરી :

ઓપનરોની આટલી નિષ્ફળતા છતાં ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી છે અને આમાં મિડલ ઓર્ડરની મોટી ભૂમિકા રહી છે. આવી સ્થિતિમાં બંને દિગ્ગજોના આવા પ્રદર્શનને ક્યાં સુધી સ્વીકારવામાં આવશે તેવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે. 

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ આ મામલે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રાખ્યો છે અને તે બંનેને બાકાત રાખવાનો મત રજૂ કર્યો છે. બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ મુલતાનના સુલતાને ક્રિકબઝ પ્રોગ્રામમાં કહ્યું કે, અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની સામે પાકિસ્તાન સિવાય કોઈ મોટી ટીમ નહોતી, તેથી ઓપનરોની નિષ્ફળતા છતાં મિડલ ઓર્ડરના સ્કોરના જોરે ટીમનું કામ ચાલી ગયું હતું. 

સેહવાગે કહ્યું કે, ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે અને પછી સેમીફાઈનલમાં એવી સ્થિતિનો સામનો કરવો પડશે જ્યાં જો ઓપનર રન નહીં બનાવે અને મિડલ ઓર્ડર પણ રન નહીં બનાવે તો ભારે મુશ્કેલ થઈ જશે. 'નજફગઢના નવાબ' સેહવાગે સીધું જ કહ્યું કે ભલે તેઓ ગમે તેટલું મોટું નામ હોય, જો તે મોટી મેચોમાં રન નહિ બનાવે તો સવાલો ઊભા થશે અને વર્લ્ડ કપ બાદ સિલેકટર્સોએ તેમના વિશે પણ વિચારવું પડશે કે, આ બંનેને T20 ટીમમાં બહાર કરીને નવા ખેલાડીઓને તક આપવી પડશે.


Google NewsGoogle News