ધનશ્રીએ ચહલ પાસેથી 60 કરોડ લીધા હોવાની વાત ખોટી: વકીલે દાવો કરતાં કહ્યું- મામલો હજુ કોર્ટમાં
Yuzvendra Chahal Dhanashree Divorce Alimony Amount: કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વિશે ઘણા સમયથી અહેવાલો હતા કે બંને છૂટાછેડા લેવાના છે. ગઈકાલે એટલે કે 20મી ફેબ્રુઆરીએ બંનેએ છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું અને છૂટાછેડા લીધા હતા.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ધનશ્રી
હવે સોશિયલ મીડિયા પર એવા પણ સમાચાર છે કે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ પાસેથી છૂટાછેડા માટે 60 કરોડ રૂપિયા લીધા છે. બંને છેલ્લા દોઢ વર્ષથી અલગ રહેતા હતા. તેમજ બંનેએ સોશિયલ મીડિયા પરથી એકબીજાને અનફોલો પણ કરી દીધા હતા. ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ, તેમના છૂટાછેડાની છેલ્લી સુનાવણી બાંદ્રાની ફેમિલી કોર્ટમાં થઈ. આ દરમિયાન તેઓ ત્યાં હાજર હતા. આ પછી જ સમાચાર આવ્યા કે ચહલે ધનશ્રીને એલિમની તરીકે રૂ. 60 કરોડ આપ્યા. ત્યારબાદ ધનશ્રીને હાલ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઇ રહી છે. જો કે આ વાત સાચી નથી.
ધનશ્રીના વકીલે કરી સ્પષ્ટતા
ધનશ્રીના વકીલ, એડવોકેટ અદિતિ મોહોનીએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી કે, '60 કરોડની એલિમની રકમના સમાચાર ખોટા છે. આ મામલો હાલમાં કોર્ટમાં છે. મીડિયાએ રિપોર્ટિંગ કરતા પહેલા હકીકત તપાસવી જોઈએ, કારણ કે ઘણી બધી ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.'
એલિમનીની અફવાઓથી પરિવાર પણ પરેશાન
ધનશ્રીના પરિવારના સભ્યએ પણ જણાવ્યું હતું કે, 'એલિમનીના આંકડા વિશે ફેલાવવામાં આવી રહેલા પાયાવિહોણા દાવાઓથી અમે ખૂબ જ પરેશાન છીએ. આ મામલે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આવી કોઈ રકમ ક્યારેય માંગવામાં આવી નથી. આ માત્ર અફવાઓ જ છે, આવી અફવાઓથી માત્ર પક્ષકારોને જ નહિ પરંતુ તેના પરિવારને પણ નુકસાન થાય છે. અમે મીડિયાને ખોટી માહિતી ફેલાવતા પહેલા સંયમ રાખવા, ફેક્ટ ચેક કરવાની અને દરેકની પ્રાઈવસી જાળવી રાખવાની વિનંતી કરીએ છીએ.'