શું ધોનીની છેલ્લી IPL છે? મેડલ્સ અને ગાર્ડ ઓફ ઓનર બાદ અટકળો થઈ તેજ
Image Source: Twitter
MS Dhoni Retirement from IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સિઝનમાં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક શાનદાર મેચ રમાઈ હતી જેમાં ચેન્નાઈએ 5 વિકેટે જીત હાંસલ કરી હતી. આ મેચ ચેન્નાઈના હોમ ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ પહેલા અને મેચ બાદ કંઈક એવું થયું જેણે મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સને થોડા નિરાશ કર્યા છે.
આ સિઝનમાં ચેન્નાઈની પોતાના હોમ ગ્રાઉન્ડમાં આ છેલ્લી લીગ મેચ હતી. હવે ચેન્નાઈની ટીમે આ IPL સિઝનના ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચ 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ મેચ બેંગલુરુમાં RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
સૌથી પહેલા ફ્રેન્ચાઈઝીએ પોસ્ટ દ્વારા માહોલ બનાવ્યો
ચેપોકમાં રમાયેલી CSK અને RRની મેચમાં બે એવી ઘટનાઓ બની જેણે 42 વર્ષીય ધોનીના સંન્યાસ અંગેની અટકળોને તેજ બનાવી દીધી. પહેલી બાબત એ કે મેચમાં ટોસ પહેલા CSK ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર ખાસ અપીલ કરી હતી અને ત્યારબાદ સૌથી પહેલા ધોનીના સંન્યાસની અટકળો શરૂ થઈ હતી.
ફ્રેન્ચાઈઝીએ પોસ્ટ શેર કરતા કહ્યું કે, મેચ સમાપ્ત બાદ દર્શકો સ્ટેડિયમમાં જ રહેજો કારણ કે મેચ પછી કંઈક ખાસ થવાનું છે. ચાહકોને સરપ્રાઈઝ મળી શકે છે. આ પોસ્ટ બાદ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે મેચ પછી ધોનીને લઈને કંઈક થવાનું છે. કેટલાક ચાહકોએ કહ્યું કે તે મેચ પછી રડાવાના છે.
#YellorukkumThanks for making our day! 💛#WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2024
pic.twitter.com/8mmE0jCwzd
ધોનીએ મેદાન પર 'લેપ ઓફ ઓનર' પણ કર્યું
પરંતુ રાજસ્થાનને હરાવ્યા બાદ બીજો જ નજારો જોવા મળ્યો. ધોની અને ચેન્નાઈની ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફે 'લેપ ઓફ ઓનર' કર્યું એટલે કે સ્ટેડિયમના ચક્કર લગાવ્યા. આ સાથે જ ધોનીએ પૂર્વ ખેલાડી સુરેશ રૈના સાથે મળીને પોતાના ચાહકોનો હંમેશા ટીમને સપોર્ટ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન ધોનીએ રિટર્ન ગિફ્ટ તરીકે ચાહકોને યલો કલરનો બોલ આપ્યો હતો. લેપ ઓફ ઓનર પહેલા ધોની સહિત તમામ ખેલાડીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા. તમામ ખેલાડીઓ એક લાઈનમાં ઉભા રહ્યા અને ટીમના માલિક એન શ્રીનિવાસનની પુત્રી રૂપા ગુરુનાથે તેમને મેડલ એનાયત કર્યા.
મેચ બાદ માહીને 'ગાર્ડ ઓફ ઓનર' આપ્યું
આ સાથે જ ધોનીને તેમના સાથી ખેલાડીઓએ 'ગાર્ડ ઓફ ઓનર' પણ આપ્યું હતું. આ તમામ બાબતોના કારણે ચાહકોના મનમાં ધોનીના સંન્યાસ અંગેની અટકળો તેજ થઈ ગઈ છે. જો કે હજુ સુધી ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી, ધોની કે IPL તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. હાલમાં આ તમામ અટકળો જ છે.
ધોની આ વખતે 7 જુલાઈના રોજ 43 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં આ તેની છેલ્લી IPL સિઝન માનવામાં આવી રહી છે. માહીએ આ સિઝન પહેલા જ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સની જવાબદારી ગાયકવાડને સોંપી દીધી હતી. ધોની આગામી સિઝનમાં મેન્ટર અથવા કોચ જેવી કંઈક નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. હાલમાં કંઈ પણ સ્પષ્ટ નથી.