મને ફેર નથી પડતો...' મેચ જીતાડ્યાં બાદ ગરજ્યો હર્ષિત રાણા, જૂના વિવાદ અંગે તોડ્યું મૌન
IND Vs ENG, Harshit Rana : ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ સામેની પહેલી વનડે મેચ 4 વિકેટે જીતી લીધી હતી. બંને ટીમો વચ્ચે પહેલી મેચ ગુરુવારે (6 ફેબ્રુઆરી)ના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. જે મેચ ભારતીય ટીમે માત્ર 38.4 ઓવરમાં 4 વિકેટે જીતી લીધી હતી. આમ, ભારતીય ટીમે આ મેચ 68 બોલ બાકી રહેતા જ જીતી છે. મેચમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, હર્ષિત રાણા અને રવીન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
વનડે ડેબ્યૂ મેચમાં હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ઝડપી
હર્ષિત રાણાએ ટેસ્ટ ડેબ્યૂમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે તેણે T20I અને વનડે ડેબ્યૂ મેચમાં 3-3 વિકેટ લીધી હતી. હર્ષિત રાણા પોતાની પહેલી મેચમાં થોડો મોંઘો જરૂર સાબિત થયો હતો પરંતુ તેણે વિકેટ ઝડપીને પોતાની પ્રતિભાને સાબિત કરી હતી. આ ડાબોડી બોલરે સૌથી પહેલા બેન ડકેટને આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે હૈરી બ્રુકની વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણાએ ત્રીજો શિકાર લિયમ લિવિંગસ્ટનનો કર્યો હતો. હર્ષિત રાણાએ ત્રણેય વિકેટ શોર્ટ બોલ ફેંકીને મેળવી હતી.
T20I ડેબ્યૂ મેચમાં થયો હતો વિવાદ
થોડા દિવસ પહેલા હર્ષિત રાણાએ ઇંગ્લેન્ડ સામે પોતાનું T20I ડેબ્યૂ કર્યું હતું. તે સમયે પૂણે T20 મેચમાં હર્ષિત શિવમ દુબેની જગ્યાએ કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે મેદાન પર રમવા આવ્યો હતો. રાણાએ બોલિંગ કરતા જ મેચની દિશા બદલાઈ ગઈ હતી. રાણાએ મેચમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે હર્ષિત રાણાને મેદાન પર બોલાવતા ઈંગ્લીશ ખેલાડીઓએ આ નિર્ણયની ટીકા કરી હતી.
આ પણ વાંચો : રોહિત બાદ ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમનો કૅપ્ટન કોણ? BCCI વિકલ્પની શોધમાં, આ નામ ચર્ચામાં
શું કહ્યું હર્ષિત રાણાએ?
હવે હર્ષિત રાણાએ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, 'મારું માનવું છે કે લોકો તો વાતો કરતા રહેશે. હું માત્ર રમવા માંગું છું. ભલે હું સારું રમું કે ખરાબ. મને તેની ચિંતા નથી. હું માત્ર મારા દેશ માટે સારું પ્રદર્શન કરવા માંગું છું. હું આ બધી વાતો પર ધ્યાન નથી આપતો. હું મેદાન પર હંમેશા માનસિક રીતે તૈયાર થઇને આવું છું. મન ખબર છે કે હું ગમે ત્યારે રમી શકું છું. ક્રિકેટમાં હંમેશા ઉતાર-ચઢાવ આવતો રહે છે. હું માત્ર પોતાની લેન્થ પર ધ્યાન આપવા માંગું છું. મેં બીજા સ્પેલમાં કંઈ નવુ કર્યું ન હતું, બસ સાચી જગ્યાએ બોલ ફેંકીવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.'