છ બોલમાં ચાર વિકેટ... ભારતના આ બોલરને જોઈ ધ્રૂજવા લાગ્યા ઑસ્ટ્રેલિયાના ધૂરંધર
Pink ball test Match : ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 6 ડિસેમ્બરથી એડિલેડમાં પિંક બોલ ટેસ્ટ મેચ રમશે. આ પહેલા ટીમે કેનબેરામાં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમવા ઉતરી હતી. જ્યાં મેચના બીજા દિવસે હર્ષિત રાણાને જોઈને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો રિતસરના ધ્રૂજી ગયા હતા.
પ્રેક્ટિસ મેચનો પહેલો દિવસ વરસાદને કારણે મેચ ધોવાઈ ગયા બાદ બીજા દિવસે બંને ટીમોએ 50-50 ઓવરની મેચમાં મેદાનમાં ઉતરી હતી. જ્યાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે મેચ દરમિયાન વરસાદ પડવાના કારણે ઓવરો ઘટાડવામાં આવી હતી, અને 46-46 ઓવર કરવામાં આવી હતી. વરસાદ બાદ ફરી મેચ શરુ થયા બાદ રાણાએ 6 બોલમાં ચાર વિકેટ લઈને મેચનું પાસુ જ બદલી નાખ્યું હતું.
23મી ઓવરમાં પલટી નાખ્યું પાસુ
22 ઓવર સુધીમાં પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન બે વિકેટે 124 રન બનાવી ચુકી હતી. જેક ક્લેટન 36 રન અને સેમ કાઉટન્સ 75 રન પર રમી રહ્યા હતા. હર્ષિત રાણા 23મી ઓવરમાં આક્રમકતા સાથે આવ્યો અને તેણે પોતાની ઓવરના પહેલા ત્રણ બોલમાં સાત રન આપ્યા, પરંતુ ચોથા બોલ પર ક્લેટનને બોલ્ડ કરીને પોતાનું ખાતું ખોલાવ્યું. અને તેણે ક્લેટનને 40 રન પર આઉટ કર્યો હતો. આ વિકેટ પછી મેદાન પર શું થયું તે બધા જોતા રહ્યા. પોતાની ઓવરના છેલ્લા બોલ પર તેણે ઓલિવર ડેવિસને શૂન્ય પર બોલ્ડ કર્યો હતો. તેણે ત્રણ બોલમાં બે વિકેટ ઝડપી હતી. તેણે તેની આગલી ઓવરમાં પણ આવી જ ગડબડ કરી.
રાણાએ તેની બીજી ઓવરના પ્રથમ બોલ પર જેક એડવર્ડ્સને એક રન અને સેમ હાર્પરને ત્રીજા બોલ પર શૂન્ય પર આઉટ કર્યો હતો. એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 131 રન હતો, પરંતુ રાણાના તે છ બોલ બાદ સ્કોર 133 રન પર છ વિકેટ થઈ ગઈ હતી. હર્ષિત રાણાએ પ્રેક્ટિસ મેચમાં પિંક બોલથી કમાલ કરી બતાવ્યો. હવે એડિલેડ ટેસ્ટમાં પણ તેની પાસેથી આ જ પ્રદર્શનની બધાને આશા છે. રાણાએ પર્થમાં રમાયેલી શ્રેણીની પહેલી મેચમાં ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે પર્થ ટેસ્ટમાં કુલ ચાર વિકેટ ઝડપી હતી.