IND vs AUS: ભાઈ! સમ ખાઈને કહું છું આઉટ જ હશે, બુમરાહ પાસે રિવ્યુની આજીજી કરતાં ભારતીય બોલરનો VIDEO
Harshit Rana: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ હતી. આ મેચમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો છે. ટેસ્ટ મેચના ચોથા દિવસે એક રમુજી ઘટના બની હતી અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય બોલર હર્ષિત રાણાએ DRS (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ) લેવા માટે કેપ્ટન જસપ્રિત બુમરાહની સામે સમ ખાવા પડ્યા હતા.
ડેબ્યુટન્ટ બોલર હર્ષિત રાણાએ સ્ટીવ સ્મિથ સામે સારી બોલિંગ કરી હતી. તેનો એક બોલ ફ્લિક કરતી વખતે સીધો સ્મિથના પેડ પર વાગ્યો હતો. અમ્પાયરે સ્મિથને આઉટ આપ્યો નહોતો. બોલ ફેંક્યા બાદ હર્ષિતને લાગ્યું હતું કે બોલ તેની સામે જ સીધો વાગ્યો છે, પરંતુ બોલ લેગ સ્ટમ્પથી દૂર જઈ રહ્યો હતો. ત્યાર પછી હર્ષિત રાણાએ કેપ્ટન જસપ્રિત બુમરાહને ડીઆરએસ માટે મનાવી લીધો હતો. તેના આગ્રહના કારણે ડીઆરએસ લેવામાં આવ્યું, પરંતુ ભારતીય ટીમને તેનો લાભ મળ્યો નહોતો.
હર્ષિત રાણાએ બુમરાહને મનાવવા માટે કહ્યું હતું કે હું કસમ ખાઉં છું ભાઈ! બોલ સીધો જ વાગ્યો છે. વિરાટ કોહલીએ પણ કહ્યું હતું કે બોલ સીધો જ ગયો છે. સ્ટંપ માઇકમાં સંભળાયેલ અવાજ પ્રમાણે જસપ્રીત બુમરાહે કહ્યું હતું કે બોલ સ્ટંપની બહાર જઈ રહ્યો છે તો ફરી હર્ષિત રાણાએ કહ્યું કે, કસમ ખાઉ છું ભાઈ બોલ સ્ટંપની સામે જ છે. ત્યાર બાદ બુમરાહે રિવ્યુ લેતા થર્ડ અમ્પાયરે તમામ એંગલ ચેક કર્યા, અલ્ટ્રા એજ ચેક કર્યા અને પછી બોલ ટ્રેકિંગ પરથી જાણવા મળ્યું કે બોલ લેગ સ્ટમ્પથી દૂર જઈ રહ્યો હતો અને ભારતે રિવ્યુ પણ ગુમાવ્યો હતો. જો કે બાદમાં સ્મિથને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. ભારત આ મેચ 295 રને મેચ જીત્યું હતું.