કેપ્ટનની એક ભૂલ MIને ભારે પડી, જીતેલી મેચ હાર્યા બાદ છલકાયું દર્દ
એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 રનથી હાર
Image:Social Media |
Harmanpreet Kaur : WPL 2024ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં MIએ પોતાની ઇનિંગ દરમિયાન મજબૂત પકડ બનાવી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં RCBએ બાજી પલટી દીધી અને પહેલીવાર WPL ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મુંબઈ માટે સૌથી મોટું કારણ કેપ્ટન હરમનપ્રીત કૌરની વિકેટ હતી. હરમનને 18મી ઓવરમાં જીવનદાન મળ્યું, તેમ છતાં તેણે ઓવરના છેલ્લા બોલ પર ફરીથી જોખમ લીધું અને આઉટ થઈ ગઈ હતી. તેની આ ભૂલ MIને ભારે પડી અને આ વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 135 રન બનાવ્યા હતા, આ સ્કોર સામે મુંબઈની ટીમ 20 ઓવરમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી.
કેપ્ટનની ભૂલના કારણે મેચ હાર્યું મુંબઈ
હરમનપ્રીત કૌરે મેચ બાદ કહ્યું, "અમે ખરેખર સારી બોલિંગ કરી, અમે તેમને 140થી ઓછા રનના સ્કોર પર રોકી દીધા. બેટિંગ પણ સારી હતી પરંતુ અમે છેલ્લા 12 બોલમાં સારી બેટિંગ કરી ન હતી. અમને 12 બોલમાં માત્ર એક બાઉન્ડ્રીની જરૂર હતી. તે હાંસલ કરી શક્યા નહીં. આ રમત હંમેશા તમને કંઈકને કંઇક શીખવે છે અને દબાણમાં મૂકે છે, તમારે તેમાંથી શીખવાની જરૂર છે. જ્યારે અમે મારી વિકેટ ગુમાવી હતી, ત્યારે અમારા બેટર પોતાનું સંયમ જાળવી શક્યા ન હતા, તે ટર્નિંગ પોઈન્ટ હતો."
WPL જ યુવા ખેલાડીઓને સામે લાવવાનું કામ કરી શકે
MIની કેપ્ટને અંતમાં કહ્યું, "અમે આ ટુર્નામેન્ટમાં સજનાને જોઈ, તે ખરેખર જોરદાર હિટ કરી શકે છે અને WPL જ યુવા ખેલાડીઓને સામે લાવવાનું કામ કરી શકે છે. અમે ખરેખર સખત સંઘર્ષ કર્યો, આ સિઝન અમારા માટે ઉતાર-ચઢાવની રહી, છેલ્લી સિઝનમાં અમે ખરેખર સારું પ્રદર્શન કર્યું પરંતુ અમે ઘણું શીખ્યા અને આશા છે કે આગામી સિઝનમાં અમે સારી તૈયારી કરીશું અને બાઉન્સ બેક કરીશું."
રિચા ઘોષે સ્ટમ્પિંગ કરવાની તક ગુમાવી
MIને છેલ્લી ત્રણ ઓવરમાં માત્ર 20 રનની જરૂર હતી અને ક્રિઝ પર બે સેટ બેટર હતા. 18મી ઓવરમાં જ્યારે રિચા ઘોષે સ્ટમ્પિંગ કરવાની તક ગુમાવી ત્યારે કૌરને જીવનદાન પણ મળ્યું. જો કે શ્રેયંકા પાટીલે પોતાનું સંયમ જાળવી રાખ્યું અને તેના સ્પેલના છેલ્લા બોલ પર હરમનપ્રીતને આઉટ કરી હતી. હરમનપ્રીતની વિકેટ પડતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન્સે RCB સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હોવાથી, મંધાનાએ આશા શોભને બોલિંગ સોંપી અને તેણે પોતાની કેપ્ટનને નિરાશ ન થવા દીધી. તે ગભરાઈ નહીં અને RCBને જીત તરફ દોરી ગઈ. મુંબઈએ છેલ્લા 18 બોલમાં કોઈ પણ બાઉન્ડ્રી ફટકાર્યા વિના માત્ર 14 રન બનાવ્યા હતા.