હાર્દિકે IPLની મેચમાં મને અપશબ્દો કહ્યા હતા..: સ્ટાર વિકેટ કીપરે સંન્યાસ બાદ સંભળાવ્યો કિસ્સો
Dinesh Karthik about sledging: ભારતીય ક્રિકેટ અને ખાસ કરીને IPL રોમાંચને એક ચરમસીમાએ પહોંચાડે છે. IPL પૂરી થઈ ગઈ છે પરંતુ તેની જાણી-અજાણી અનેક વાતો હવે બહાર આવી રહી છે. IPL 2024માં RCBની એલિમિનેટર મેચ પછી IPL કારકિર્દીમાંથી સંભવિત વિદાય લેનાર ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એલિમિનેટર મેચમાં RCBની હાર બાદ દિનેશ કાર્તિકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતા તેની નિવૃત્તિના સમાચાર વહેતા થયા છે. જો કે દિનેશ કાર્તિકે હજુ સુધી પોતાની નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ક્રિકબઝ સાથે વાતચીતમાં દિનેશ કાર્તિકે મોટો ખુલાસો કરતા કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2024માં આરસીબીની છેલ્લી મેચમાં તેને ઘણી વખત સ્લેજિંગ કર્યું હતું. આ દરમિયાન કાર્તિકે તેની સમગ્ર ક્રિકેટ કારકિર્દીના અલગ-અલગ સ્લેજિંગ મુદ્દાઓને યાદ કર્યા અને હાર્દિક પંડ્યા અને વિરાટ દ્વારા કરવામાં આવેલી સ્લેજિંગ તેની સૌથી ફેવરિટ હતી.
હાર્દિકે કર્યું હતું સ્લેજિંગ
ક્રિકબઝ સાથે વાતચીતમાં કાર્તિકે કહ્યું કે, જ્યારે પણ હું RCB સામે રમતો હતો અને વિરાટ કોહલી મારો કેચ પકડતો ત્યારે તેના મુખેથી 'બેન સ્ટોક્સ' શબ્દો તો ચોક્કસ નીકળતા જ હતા. હાર્દિક પંડ્યા છેલ્લી મેચમાં મને ચીડવતો હતો કે, હવે લેગ સ્પિનર આવ્યો છે એટલે Thank You નો સમય થઇ ગયો છે. ત્યાર પછી હું કેટલાક શોટ રમું તો કહેતો હતો કે, ચલો સારૂં છે, હવે પહેલા કરતા વધુ સારું રમે છે.
જોકે કાર્તિકે કહ્યું કે, મને આ વાતનું કોઈ ખોટું નથી લાગ્યું. તે મારો સારો મિત્ર છે અને મને કહેતો હતો કે કોમેન્ટેટર બન્યા બાદ પણ આટલું સારૂં રમી શકે છે, ધન્ય છે. આ એક મજાક જ હતી. જોકે કાર્તિકે એમ પણ કહ્યું કે રોહિતે પણ આ વર્ષે મારી સાથે સ્લેજિંગ કર્યું છે.
કાર્તિકની IPL કારકિર્દી પર એક નજર
DK IPL કરિયરમાં કુલ છ ટીમો માટે રમ્યો છે, જેમાં તેણે લગભગ 5000 રન બનાવ્યા છે. આ સિવાય 145 કેચ અને 37 સ્ટમ્પિંગ પણ સામેલ છે. કાર્તિક 257 મેચમાં રોહિત શર્મા સાથે સંયુક્ત રીતે બીજા સૌથી વધુ કેપ્ડ ખેલાડી છે. CSKના એમએસ ધોનીની 264 મેચ બાદ બીજા ક્રમે છે. IPL 2024માં પણ કાર્તિકે RCB માટે બેટ વડે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 15 મેચમાં 326 રન બનાવ્યા હતા, જેમાં SRH સામેની 35 બોલમાં 83 રનની એક અવિસ્મરણીય ઇનિંગ સામેલ છે. કાર્તિક આગામી T20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરતા પણ જોવા મળશે.