'તમારા 400 રૂપિયા બહુ કામ આવતા', હાર્દિક પંડ્યાએ વીડિયો કોલ પર વાગોળી બાળપણની યાદો
Hardik Pandya : પોતના સંઘર્ષના દિવસોને યાદ કરતા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે; જેમાં તેણે તેના બાળપણના દિવસોના સિલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિડીયોમાં હાર્દિકે વિડિયો કોલ પર પસંદગીકાર સાથે વાત કરી હતી. અને પોતાને 400 રૂપિયા મેચ ફી ચૂકવવા બદલ તેમનો આભાર માન્યો હતો.
હાર્દિકે આભાર વ્યક્ત કર્યો
હાર્દિક આ વિડીયોમાં ટેનિસ બોલ સિલેક્ટર સાથે ગુજરાતીમાં વાત કરતો જોવા મળે છે. પસંદગીકારે વીડિયોમાં કહ્યું હતું કે, હાર્દિક પર ભગવાનના આશીર્વાદ છે. આ પછી હાર્દિકે હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે, તમારા 400 રૂપિયા મને ખૂબ કામમાં લાગ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, હાર્દિકનો જન્મ ગુજરાતના ચોર્યાસીમાં થયો હતો. અને તેણે હાલમાં નંબર વન T20 ઈન્ટરનેશનલ ઓલરાઉન્ડર તરીકે પોતાની ઓળખ બનાવી છે. 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
અંતરિયાળ ગામડાઓમાં હાર્દિક રમવા જતો
આજે ભલે હાર્દિકનું મોટું નામ હોય પરંતુ એક સમય હતો જ્યારે તે સ્થાનિક અને ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં રમવા જતો હતો. આ મેચોમાં તેને ઘણીવાર 400-500 રૂપિયાની મેચ ફી મળતી હતી. જે પ્રારંભિક સંઘર્ષ દરમિયાન તેના માટે મુલ્યવાન હતી. તેણે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ(MI) માટે IPLની શરૂઆત કરી હતી. અને પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. હાલમાં તે હવે MIનો કેપ્ટન છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાલમાં રમી રહ્યો છે હાર્દિક
હાલમાં હાર્દિક ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં બરોડા તરફથી રમી રહ્યો છે. તેણે અત્યાર સુધી અહીં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેણે ચાર મેચમાં ત્રણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જેમાં તે બે વખત અણનમ રહ્યો હતો. તે મેચમાં 47 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પહેલા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર T20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ, 86 ODI અને 109 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.