મુંબઈ ઈન્ડિયન્સનું મોટું એલાન, IPL 2024 માટે હાર્દિક પંડ્યાને બનાવ્યા કેપ્ટન, રોહિતનો આભાર માન્યો
મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને આગામી સીઝન માટે ટીમના કેપ્ટન બનાવ્યા
રોહિત શર્મા છેલ્લા 10 વર્ષથી ટીમની કમાન સંભાળી રહ્યા હતા
Mumbai Indians captain : IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને આગામી સીઝન માટે ટીમના કેપ્ટન બનાવ્યા છે. રોહિત શર્મા છેલ્લા 10 વર્ષથી ટીમની કમાન સંભાળી રહ્યા હતા. પરંતુ આ વખતે ફ્રેન્ચાઈઝીએ આગામી સીઝન પહેલા મોટી ડીલ કરતા હાર્દિક પંડ્યાને ટીમમાં ફરી સામેલ કર્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે આજે આગામી 2024 સીઝન માટે લીડરશિપ ગ્રુપમાં મોટો ફેરફાર કર્યો છે. સૌથી સફળ કેપ્ટન એવા રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી દેવાયા છે. તેમની જગ્યા હવે હાર્દિક પંડ્યા લેશે. રોહિત શર્માના આ શાનદાર યોગદાન માટે મુંબઈ ઈન્ડિયન્સે તેનો આભાર માન્યો છે. જોકે, બીજી તરફ MI અને રોહિત શર્માના ફેન્સ નારાજ થતા જોવા મળી રહ્યા છે. 'X' પોસ્ટ પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ખુબ જ ખરાબ નિર્ણય.
રોહિત શર્માનો અમે આભાર વ્યક્ત કરીએ છીએઃ MI
"અમે રોહિત શર્માને તેમના અસાધારણ નેતૃત્વ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. 2013 થી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ ખુબ સારો રહ્યો. તેમના નેતૃત્વએ માત્ર ટીમને અપ્રતિમ સફળતા જ નથી અપાવી પરંતુ ટીમને પણ મજબૂત કરી છે. IPLના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના તેમના માર્ગદર્શન હેઠળ MIની ટીમ અત્યાર સુધીની સૌથી સફળ અને પ્રિય ટીમોમાંની એક બની. અમે MIને વધુ મજબૂત કરવા માટે મેદાન પર અને મેદાનની બહાર તેમના માર્ગદર્શન અને અનુભવની રાહ જોઈશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સીઝનમાં હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો. જોકે ત્યારબાદ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના સંપર્કમાં હતો. ODI World Cup 2023 પહેલા જ તેના અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે વાતચીત થઇ ગઈ હતી. ત્યારબાદ તે સત્તાવાર રીતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ એ પ્રશ્ન હતો કે શું મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા કરશે કે પછી મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને રિલીઝ કરવાનું વિચાર્યું છે ? જોકે, હવે જાહેર થઈ ચૂક્યું છે કે, મુંબઈની ટીમની કમાન હાર્દિક પંડ્યા સંભાળશે. મહત્વનું છે કે, રોહિત શર્માએ 5 વખત મુંબઈને ચેમ્પિયન બનાવ્યું છે.