ICC Rankings: હાર્દિક પંડ્યા નંબર વન ઓલરાઉન્ડર, 69 બેટર્સને પછાડી ત્રીજા સ્થાન પર આવ્યો આ ખેલાડી
ICC Rankings : ICCએ તાજેતરમાં ક્રિકેટરોની રેન્કિંગ જાહેર કરી હતી. જેમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી હતી. ભારતનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને T20 ઓલરાઉન્ડર તરીકે પહેલા સ્થાને પહોંચી ગયો છે. તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝમાં બે બેક ટુ બેક સદી ફટકારનાર યુવા બેટર તિલક વર્માએ બેટરોની રેન્કિંગમાં 69 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. આટલું જ નહીં જાદુઈ સ્પીનર વરુણ ચક્રવર્તી અને બેટર સંજુ સેમસનને પણ રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે.
હાર્દિક પંડ્યા બન્યો નંબર-1
ભારતના અનુભવી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ફરીથી વિશ્વના ટોચના T20I ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પંડ્યાએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો હતો. તેણે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને પાછળ છોડી દીધા હતા.
તિલક વર્માએ લગાવી મોટી છલાંગ
યુવા બેટર તિલક વર્માએ ICC મેન્સ T20I રેન્કિંગમાં ટોપ 10 બેટરોની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. તે 69 ખેલાડીઓને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે તે હવે ભારતના ટોચના બેટરોની યાદીમાં સામેલ થઇ ગયો છે. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક સ્થાન નીચે ચોથા સ્થાને આવી ગયો છે. તિલક વર્માએ દક્ષિણ આફ્રિકા સામે તાજેતરની T20I સીરિઝની છેલ્લી બે મેચમાં સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સંજુ સેમસનને રેન્કિંગમાં થયું નુકશાન
તિલક વર્માની જેમ સંજુ સેમસને પણ દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝમાં 2 સદી ફટકારી હતી. પરંતુ સેમસન પણ બે વખત 0 પર આઉટ થયો હતો. જેના કારણે તેને T20 રેન્કિંગમાં નુકસાન થયું હતું. સંજુ સેમસન હાલ 22મા સ્થાને છે. મોટી વાત એ છે કે સેમસને 17 બેટરોને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે.
સૂર્યકુમાર યાદવ સરકીને પહોંચ્યો ચોથા સ્થાન પર
એક સમયે T20 રેન્કિંગમાં ટોચના સ્થાન પર રહેલા સૂર્યકુમાર યાદવ હવે તિલક વર્મા કરતાં પણ નીચેના સ્થાને આવી ગયા છે. હવે સૂર્યકુમાર ચોથા સ્થાન પર આવી ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં તેણે કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. તે 3 ઇનિંગ્સમાં માત્ર 26 રન જ બનાવી શક્યો હતો.