VIDEO: ડ્રેસિંગ રૂમમાં હાર્દિક પંડ્યાએ સૂર્યકુમારને આપી સલાહ, હાથ બાંધીને સાંભળતો રહ્યો ગૌતમ ગંભીર
Image Source: Twitter
Hardik Pandya: સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચ નહોતો રમ્યો. તેના સ્થાન પર શિવમ દુબેને તક આપવામાં આવી હતી. ત્રીજી મેચ બાદ ભારતે શ્રીલંકા સામે શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી. આ જીત બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે નવા T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તમામને સિરીઝની જીતના અભિનંદન પાઠવવાની સાથે એક ખાસ સલાહ આપી રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ સૂર્યકુમારને અભિનંદન પાઠવ્યા
શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાએ સિરીઝ જીત્યા બાદ તાજેતરમાં જ BCCIએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર ડ્રેસિંગ રૂમનો વીડિયો શેર કર્યો હતો, જેમાં કોચ ગૌતમ ગંભીર સૂર્યકુમાર યાદવને અભિનંદન પાઠવી રહ્યો છે. બીજી તરફ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સૂર્યકુમારને અભિનંદન પાઠવ્યા છે અને આ સાથે જ તેણે તેના પ્રદર્શનની અને કેપ્ટનશીપના પણ વખાણ કર્યા. તેણે કહ્યું કે, છેલ્લી મેચમાં સૂર્યાએ જે રીતે પોતાના બોલરોનો ઉપયોગ કર્યો તે ખરેખર શાનદાર હતું.
વીડિયો વાઇરલ
વીડિયોમાં હાર્દિક પંડ્યાને કહેતા સાંભળી શકાય છે કે, દરેક ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું. મને લાગે છે કે પ્રથમ બેટિંગ કરતાં આપણને પડકાર મળ્યો અને પરિસ્થિતિ મુશ્કેલ હતી. પરંતુ મને લાગે છે કે શુભમન ગિલ અને રિયાન પરાગે જે રીતે બેટિંગ કરી અને પ્રારંભિક વિકેટ ગુમાવ્યા બાદ ભાગીદારી બનાવી તે શાનદાર હતી.
તમે બન્નેએ જે કર્યું તે પરિસ્થિતિ પ્રમાણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું અને તે નિર્ણયે આપણને કમ સે કમ એક સારા સ્કોર સુધી પહોંચવાનો મંચ આપ્યો. જેમાં આપણા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈને તેમના ઓલરાઉન્ડર યોગદાન માટે શ્રેય આપવામાં આવે છે.
વધુમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ગૌતમભાઈએ કહ્યું તેમ સૂર્યાએ પોતાના બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો અને તેઓ યોગ્ય રીતે રમ્યા. ત્યારબાદ છેલ્લી ઓવરમાં જે બોલરો પર વિશ્વાસ કર્યો તેઓ ખૂબ શાનદાર હતા. અમે આવા પ્રકારની મેચમાંથી ઘણું શીખીએ છીએ. ધીમે ધીમે આ ખેલ ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.