હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો નિર્ણય! BCCIના ફરમાન છતાં આ ટુર્નામેન્ટથી બનાવી દૂરી, માત્ર નોકઆઉટમાં રમશે
Hardik Pandya : 21 ડિસેમ્બરથી શરૂ થયેલી વિજય હજારે ટ્રોફી (VHT)માં હાર્દિક પંડ્યા હવે બરોડા ટીમ તરફથી રમશે નહી. આ 50 ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઘણાં મોટા સ્ટાર્સ રમી રહ્યા છે. ભારતની વનડે ટીમમાં જગ્યા બનાવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ સ્પર્ધા હોય છે. VHTના ગ્રૂપ સ્ટેજની મેચોમાં નહીં રમવાનું હાર્દિક પંડ્યાનું પગલું આશ્ચર્યજનક છે. એક રીતે આ અજીત અગરકરની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિના આદેશનું ઉલ્લંઘન છે. જેમાં તમામ ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, બરોડા ક્રિકેટ એસોસિએશને કહ્યું છે કે, તે આ ટુર્નામેન્ટના નોકઆઉટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
તે નોકઆઉટ મેચમાં રમશે- કિરણ મોરે
ભારતીય ટીમને ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવાની છે. તેના પહેલા હાર્દિક પાસે માત્ર ત્રણ વનડે છે, કે જે ઈંગ્લેન્ડ સામે રમાશે. આ સ્થિતિમાં શ્રેયસ અય્યર, રિંકુ સિંહ, શિવમ દુબે જેવા વનડે રમવાના દાવેદાર મોટાભાગના ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યા છે. પરંતુ હાર્દિકે બરોડાની ગ્રૂપ મેચોમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ક્રિકેટ ઇમ્પ્રૂવમેન્ટ કમિટીના સભ્ય કિરણ મોરેએ આ અંગે જણાવ્યું હતુંકે, 'તે નોકઆઉટ મેચમાં રમશે. હાર્દિકે અમને આ નિર્ણય અંગે માહિતી આપી છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT)ની તમામ મેચો રમી હતી. તે હવે 50 ઓવરની મેચો પણ રમશે. બરોડાએ SMAT ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું. અને સેમિ-ફાઇનલમાં જગ્યા બનાવી હતી.'
ઘણાં સમયથી વનડે ફોર્મેટથી દુર ચાલી રહ્યો છે હાર્દિક
હાર્દિક પંડ્યાએ છેલ્લે ગત વર્ષે વર્લ્ડકપ 2023માં વનડે મેચ રમી હતી. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી આ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદથી તે આ ફોર્મેટથી દૂર છે. તે જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન પણ ભારતની વનડે ટીમની બહાર હતો. તે હાલ માત્ર T20 ફોર્મેટ રમી રહ્યો છે. ઈજા થવાનું જોખમ હોવાથી તે રણજી ટ્રોફીની મેચોમાં પણ ભાગ લઈ રહ્યો નથી. એવું માનવામાં આવે છે કે તે હવે રેડ બોલની ક્રિકેટ રમશે નહીં.
હાર્દિકનો વિકલ્પ શોધી રહી છે ભારતીય ટીમ
ભારતીય ટીમમાં હાર્દિક ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે. હવે ભારતીય ટીમ પણ તેની જગ્યાએ અન્ય વિકલ્પોને શોધી રહી છે. આ સ્થિતિમાં હાલ નીતિશ રેડ્ડી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ મેચ રમી રહ્યો છે. શિવમ દુબે પણ એક વિકલ્પ છે અને તે મુંબઈ તરફથી રમી રહ્યો છે. વેંકટેશ ઐયર પણ પેસ બોલિંગ ઓલરાઉન્ડર છે અને તે મધ્યપ્રદેશ તરફથી રમી રહ્યો છે.