હાર્દિક પંડ્યાએ આપવી પડશે 'પરીક્ષા': અંગત જીવનમાં ઉથલપાથલ વચ્ચે બોલિંગ પર ઉઠ્યા સવાલ
Hardik Pandya Bowling Champions Trophy 2025: હાર્દિક પંડ્યા હાલમાં કોઈને કોઈ મુદ્દે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ભારતીય ઓલરાઉન્ડરે પત્ની નતાશા સ્ટેનકોવિકને છુટાછેડા આપી અલગ થઈ ગયો છે. આ પહેલા 2024ની T20 વર્લ્ડ કપમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાને જીતાડવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે. 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા હાર્દિક પંડ્યાની બોલિંગનો ટેસ્ટ લેવામાં આવશે. ઘરેલુ ક્રિકેટમાં હાર્દિકની બોલિંગ પર નજર રાખવામાં આવશે.
હાર્દિકની ઈજા હંમેશા ચિંતાનો વિષય રહી છે
વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ODI ફોર્મેટમાં રમાશે. અને તેમાં હાર્દિક પંડ્યા ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તેને કેટલીક મેચ પછી ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવું પડ્યું હતું. હાર્દિકની ઈજા હંમેશા ચિંતાનો વિષય રહી છે. ODI ફોર્મેટમાં હાર્દિક પાસે લગભગ 10 ઓવર બોલિંગ કરવાની જવાબદારી હોય છે, જેમાં તેનો વર્કલોડ વધી જાય છે.
વિજય હજારે ટ્રોફીમાં પંડ્યાની બોલિંગ પર નજર રખાશે
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ડિસેમ્બરમાં રમાનારી વિજય હજારે ટ્રોફીમાં પંડ્યાની બોલિંગ ફિટનેસ પર નજર રાખવામાં આવશે. એટલે કે હાર્દિક ODI ફોર્મેટમાં રમાનારી વિજય હજારે ટ્રોફીમાં રમતો જોવા મળશે. જો કે, બાબતે હજુ સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. જોકે, પહેલા જ ભારતીય ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે કહેવામાં આવ્યું છે.
સવાલોથી ઘેરાયેલી રહે છે હાર્દિકની બોલિંગ
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યાની બોલિંગ મોટાભાગે સવાલોના ઘેરામાં રહે છે. 2024 ની IPLમાં હાર્દિકે વધુ બોલિંગ કરી ન હતી. જોકે, IPL બાદ યોજાયેલા T20 વર્લ્ડ કપમાં હાર્દિકની બોલિંગમાં કોઈ ઘટાડો થયો ન હતો. જો કે, હવે તમામની નજર ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર્દિકની બોલિંગ પર રહેશે.