'છેલ્લાં 6 મહિનામાં મેં ઘણું સહન કર્યું...', ફાઈનલની જીતમાં મોટી ભૂમિકા ભજવનાર હાર્દિક રડી પડ્યો
Image : IANS |
Hardik Pandya Emotional Video: ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે વર્ષોથી જોવાથી રાહનો અંત લાવ્યો અને આખરે ICC ખિતાબ જીતી બતાવ્યું. બાર્બાડોસના કેસિંગ્ટન ઓવલ મેદાન પર રોહિત શર્મા એન્ડ કંપનીએ દ.આફ્રિકાને 7 રને હરાવી T20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો.
છેલ્લે ક્યારે ટ્રોફી જીતી હતી ટીમ ઈન્ડિયા
માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. એવામાં 11 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીતવાની ખુશીથી ભારતીય ખેલાડીઓ ઈમોશનલ થઇ ગયા હતા. આ દરમિયાન વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા આ જીત બાદ ઘણો ભાવુક દેખાયો અને તે એકાએક રડી પડ્યો હતો. સાથી ખેલાડીઓએ તેને હૂંફ આપી અને કેપ્ટન રોહિત શર્માએ તેને ઊંચકી લીધો હતો.
હાર્દિકનું દર્દ છલકાયું
IPL 2024માં હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સનો ગુસ્સો સહન કરવો પડ્યો. લીગની શરૂઆતથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિકને કેપ્ટન્સી સોંપી હતી. એવામાં ફ્રેન્ચાઈઝીના ફેન્સ ઘણાં નારાજ થઇ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ પણ કર્યો હતો.
મેચ દરમિયાન પણ ખરાબ ટિપ્પણીઓ કરાઈ. T20 વર્લ્ડકપ 2024માં પસંદગી સામે પણ સવાલો ઊઠ્યા. જોકે વર્લ્ડકપ જીતાડવામાં તેની મહત્ત્વની ભૂમિકા રહી. તેણે બેટની સાથે બોલિંગમાં પણ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. વર્લ્ડકપ જીત્યા બાદ હાર્દિકનું દર્દ છલકાયું અને તે બોલી ગયો કે છેલ્લાં 6 મહિનામાં મેં ઘણું સહન કર્યું છે.
સમગ્ર દેશની ઈચ્છા હતી..
હાર્દિકે કહ્યું કે આ ખૂબ જ મહત્ત્વનું છે. હું ભાવુક છું. અમે ઘણી મહેનત કરી હતી છતાં સફળતાથી વંચિત હતા અને આખરે આજે સમગ્ર દેશની ઈચ્છા પૂરી થઇ. મારા માટે એના કરતા પણ વધુ ખાસ એ છે કે છેલ્લા 6 મહિના જેવા મારા પર વીત્યાં છે, મેં મૌન સાધી રાખ્યું, એક શબ્દ ન બોલ્યો. હું જાણતો હતો કે જો મહેનત કરતો રહીશ તો એક દિવસ ખરેખર ચમકીશ. હવે આવી તક મળવાથી બધુ ખાસ બની ગયું છે. હું 100 ટકા પ્રદર્શન આપવા માગતો હતો. બુમરાહ અને અન્ય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. અમે દબાણનું આનંદ લીધું.