હાર્દિક પંડ્યાને સાથ નથી આપી રહ્યા સિનિયર ખેલાડીઓ? ભજ્જી અને સિદ્ધુ થયા નારાજ, જુઓ શું કહ્યું
Image:IANS |
Hardik Pandya : IPL 2024માં ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે MIના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં મેચ રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવી હતી. આ મુંબઈ ઇન્ડિયન્સની સતત ત્રીજી હાર હતી. સતત ત્રણ પરાજય સાથે તેમની શરૂઆત ખરાબ રહી એટલું જ નહીં, પરંતુ ટીમની આંતરિક સ્થિતિ પણ સારી નથી લાગી રહી. પૂર્વ ક્રિકેટરોનો આરોપ છે કે ટીમના સિનિયર ખેલાડીઓ નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્વીકારી રહ્યા નથી. રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ હાર્દિક ડગઆઉટમાં એકલો બેઠો જોવા મળ્યો હતો. તેની આસપાસ કોઈ ટીમના સાથી કે કોચ ન હતા.
હાર્દિકને એકલો છોડી દેવામાં આવ્યો છે - હરભજન સિંહ
હાર્દિકને સમર્થન ન મળવાને કારણે પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ ગુસ્સે થઈ ગયો હતો. તેણે કહ્યું, "આ તસવીરો સારી નથી લાગી રહી. હાર્દિકને એકલો છોડી દેવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીના ખેલાડીઓએ તેને પોતાના કેપ્ટન તરીકે સ્વીકારવો જોઈએ. નિર્ણય થઇ ચૂક્યો છે અને ટીમે એકજૂટ રહેવું જોઈએ."
સિનિયર ખેલાડીઓ કેપ્ટન તરીકે સ્વતંત્ર રીતે કામ કરવા દઈ રહ્યા નથી - અંબાતી રાયડુ
મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુનું કહેવું છે કે હાર્દિકને સ્વતંત્ર રીતે ટીમનું નેતૃત્વ કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેણે કહ્યું, "મને ખબર નથી કે આ જાણી જોઈને થઈ રહ્યું છે કે અજાણતા. પરંતુ ટીમમાં ઘણા બધા લોકો છે જે તેને મૂંઝવણમાં મૂકી રહ્યા છે. ડ્રેસિંગ રૂમમાં સિનિયર ખેલાડીઓ તેને કેપ્ટન તરીકે સ્વતંત્ર રીતે કામ કરવા દઈ રહ્યા નથી. આ કોઈપણ કેપ્ટન માટે સારું વાતાવરણ નથી."
ડગઆઉટની તસવીરો દુઃખદ છે - નવજોત સિંહ સિદ્ધુ
પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, "હાર્દિક નિરાશ અને ઉદાસ અનુભવી રહ્યો છે કારણ કે તેની સાથે વાત કરવા માટે કોઈ નથી. બાકીના ખેલાડીઓએ સમજવું જોઈએ કે ટીમ ત્યારે જ જીતી શકે છે જ્યારે દરેક એક એકમ તરીકે સાથે રમે. જો તેઓ આવું નથી કરતા તો મુંબઈ જીતશે નહીં. ડગઆઉટની તસવીરો દુઃખદ છે."