'10-15 બોલમાં જ મેચ પલટી નાખે, વિરોધી ટીમ હંમેશા દહેશતમાં રહે..' હરભજને કોની કરી પ્રશંસા
Harbhajan talks about Pakistani batter | ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના વખાણ કર્યા છે. હરભજને કહ્યું છે કે જ્યાં સુધી આફ્રિદી ક્રિઝ પર રહે કે પછી બેટિંગ કરવા ન આવે ત્યાં સુધી અન્ય ટીમોના દિલમાં ડર રહેતો હતો. હરભજન સિંહે 2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે તે સમયે ટીમ ઈન્ડિયા આફ્રિદી વિશે શું વિચારતી હતી.
હરભજને કર્યા ભરપૂર વખાણ
હરભજને કહ્યું કે આફ્રિદીમાં પોતાની વિસ્ફોટક બેટિંગના જોરે એકલા હાથે મેચ પલટી નાખવાની તાકાત હતી. જો આફ્રિદી થોડો સમય પણ મેદાન પર રહે હોત તો તે ગણતરીના જ બોલમાં મેચને પલટી નાખે તેવો હતો. હરભજન હાલમાં ટી20 વર્લ્ડ કપ 2024માં આફ્રિદી સાથે કોમેન્ટ્રી કરી રહ્યો છે.
2007ની ઘટના યાદ કરી
હરભજને કહ્યું કે 2007માં ટી20 વર્લ્ડ કપની મેચમાં આફ્રિદી આઉટ થતાં ટીમ ઈન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો હતો. તે વિકેટ પર કેટલો સમય રહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તે અમારી ટીમની મીટિંગનો સમય વધારી દેતો હતો. મને 2007ની વર્લ્ડ કપ મેચ યાદ છે. જો આફ્રિદી બેટિંગ કરવા આવવાનો બાકી હોય તો અન્ય ટીમોમાં ગભરાટ રહે. જો તે 10-15 બોલ રમી ગયો હોય તો પણ તે મેચને છેલ્લે સુધી ખેંચી જવાની ક્ષમતા ધરાવતો હતો.
ફાઈનલ મેચનો કર્યો ઉલ્લેખ
હરભજન સિંહે T20 વર્લ્ડ કપ 2007ની ફાઈનલને યાદ કરતા કહ્યું કે, "ઈરફાન પઠાણ અને આફ્રિદી વચ્ચે કેટલીક દલીલો થઈ હતી. જ્યારે આફ્રિદી રમ્યો ત્યારે ઈરફાને બાઉન્સર ફેંક્યો અને પછી કંઈક કહ્યું. આગલા બૉલ પર આફ્રિદીએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને તેની વિકેટ પડતાં જ અમારું અધડું કામ પૂરું થઇ ગયું.
2011માં પણ આવું બન્યું હતું
હરભજન સિંહે 2011 ODI વર્લ્ડ કપમાં રમાયેલી સેમી ફાઈનલ મેચ પણ યાદ કરતાં કહ્યું કે 2011ના વર્લ્ડકપમાં મેં આફ્રિદીને પહેલો બોલ યોર્કર ફેંક્યો હતો. પછીના બોલે તેણે તેને છોડી દીધો હતો. મને ખબર હતી કે હવે તે મોટો શોટ રમવાનો પ્રયત્ન કરશે. તે મોટો શોટ રમવા ગયો અને આઉટ થઈ ગયો. ત્યાંથી અમને ખબર હતી કે અમે મેચ હારીશું નહીં. તે એવો ખેલાડી હતો જે ગમે ત્યાંથી મેચ જીતાડી શકે છે.