ધોની ખેલાડીઓને ભૂલ કરવા દે છે જ્યારે રોહિત... હરભજન સિંહે સમજાવ્યું બંનેની કેપ્ટનશીપમાં શું છે તફાવત
Harbhajan Singh: અત્યાર સુધીમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ કેપ્ટનના નેતૃત્વ હેઠળ વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. જેમાં કપિલ દેવ, એમએસ ધોની અને રોહિત શર્માનું નામ સામેલ છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો દ્વારા એમએસ ધોની અને રોહિત શર્માની કેપ્ટનશીપને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
આ ચર્ચાને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી હરભજન સિંહ માને છે કે એમએસ ધોની અને રોહિત શર્મા બંને અલગ-અલગ પ્રકારના કેપ્ટન છે. જેમની પોતાની આગવી વિશેષતા છે. તેણે કહ્યું કે, 'એમએસ ધોની ખેલાડીઓને તેમની ભૂલોમાંથી શીખવાની તક આપે છે, જ્યારે રોહિત શર્મા ખેલાડીઓ સાથે વાતચીત કરે છે અને તેમને આત્મવિશ્વાસ આપે છે.'
હરભજને એક પોડકાસ્ટમાં આઈપીએલને લઈને એક ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે, ' જ્યારે હું આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી રહ્યો હતો. ત્યારે એક મેચ દરમિયાન કેન વિલિયમસને શાર્દુલ ઠાકુરના સતત બે બોલ પર ચોગ્ગા માર્યા હતા. ત્યારે મે ધોનીને શાર્દુલને અલગ લેન્થ પર બોલિંગ ફેંકવા માટે સલાહ આપી હતી. સામે ધોનીએ જવાબ આપ્યો કે પાજી, જો હું તેને કહીશ તો તે ક્યારેય નહીં શીખે. તેને જાતે શીખવા દો. ધોનીનું માનવું હતું કે ખેલાડીઓ તેમની ભૂલોમાંથી ઝડપથી શીખે છે.'
રોહિત શર્મા વિશે હરભજને જણાવ્યું કહ્યું કે, તે ઘણો અલગ છે. રોહિત દરેક ખેલાડી સાથે વ્યક્તિગત રીતે મળે છે, અને તેની સાથે વાત કરીને તેને ખાતરી આપે છે કે તું તારું કામ સારી રીતે કરી શકે છે. રોહિત માટે એક શ્રેષ્ટ કેપ્ટન તરીકે સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટને વધુ સમજી વિચારીને વ્યૂહરચના બનાવવી પડે છે, અને આ જ રોહિતની કેપ્ટનશીપમાં સુધારાનું કારણ છે. જે રીતે શેન વોર્ન દરેક ખેલાડી પાસે જઈને તેની ભૂમિકા સમજાવતો હતો, તેવી જ રીતે રોહિત શર્મા પણ ટીમના ખેલાડીઓ સાથે વાત કરે છે અને તેમને પ્રોત્સાહિત કરે છે.'